નાના વેપારીઓ-કારીગરોને ૧ લાખ સુધીની ૨ ટકા લેખે લોન યોજના

આત્‍મનિર્ભર ગુજરાત યોજના જાહેર કરતા વિજયભાઈ રૂપાણીઃ ૧૦ લાખ લોકોને લાભ : પ્રથમ ૬ માસ સુધી બેંકમાં વ્‍યાજ કે હપ્‍તો નહિ ભરવાનોઃ ૩ વર્ષે માત્ર ૬ ટકા વ્‍યાજ ચૂકવવાનું: બેંકો- સોસાયટીઓમાં કંઈ ગિરવે નહિ મુકવુ પડે :
અરજદારે કોઈ જામીન પણ આપવાના રહેશે નહીં
રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નાના ધંધાર્થીઓ માટે આત્‍મનિર્ભર ગુજરાત નામની નજીવા વ્‍યાજની યોજના જાહેર કરી છે. તે અંતર્ગત ૧૦ લાખ જેટલા લાભાર્થી બનવા પાત્ર લોકોને રૂા. ૧ લાખ સુધીની લોન મળશે. રાજ્‍યના સામાન્‍ય વર્ગના વેપારીઓ તેમજ કારીગરોને કોરોનાની પરિસ્‍થિતિમાંથી આર્થિક અકિલા રીતે ફરી બેઠા થવા માટે રાજ્‍ય સરકારે આત્‍મનિર્ભર ગુજરાત નામની મહત્‍વની યોજના આજે જાહેર કરી છે. આર્થિક રીતે સામાન્‍ય વર્ગ માટે મુખ્‍યમંત્રી વિજયભાઈનું આ પગલુ ખૂબ મહત્‍વનુ ગણાય છે. યોજનાની જાહેર થયેલ વિગત મુજબ નાના વેપારીઓ અને કારીગરોને તેનો લાભ મળવા પાત્ર થશે. રાજ્‍યની ૧૮ જેટલી સહકારી બેન્‍કો મારફત કોઈપણ જાતની મિલકત કે વસ્‍તુ ગિરવે મુકયા વગર નીતિનિયમને આધીન રૂા. ૧ લાખ સુધીની લોન મેળવી શકશે. પ્રથમ ૬ મહિના માટે તેમા કોઈ હપ્તો કે વ્‍યાજ ભરવુ નહિ પડે. ૩ વર્ષ પછી કુલ વ્‍યાજ ૬ ટકા થશે. બેન્‍કોને જે વ્‍યાજ ચુકવવાનુ થાય છે તે પૈકી ૬ ટકા રાજ્‍ય સરકાર બોજ ઉઠાવશે. લોન લેનાર માટે માત્ર ૨ ટકાના વ્‍યાજનો બોજ જ આવશે. લોકડાઉનમાં લાંબા સમયથી વેપાર ધંધા બંધ હોવાથી નાના વેપારીઓને તેમજ કારીગર વર્ગને ફરી આત્‍મનિર્ભર થવા આ લોન યોજના ઉપયોગી થશે. યોજનાની વધુ વિગતો મેળવાઈ રહી છે.