ભુજ માં મસાલા વેચતા બે કુટુંબના સભ્યો વચ્ચે ઝઘડો વકરીને મારામારી સુધી પહોંચ્યો

આ શહેરના કોટ અંદરના વિસ્તારના પ્રવેશદ્વાર સમાન વાણિયાવાડ ચોક ખાતે આજે ઢળતી બપોરે હાથલારી ઉપર મસાલા વેચવાનો વ્યવસાય કરનારા બે પરિવાર વચ્ચેના ધંધાકીય બાબતના ઝઘડાએ હિંસક વળાંક લેતાં હુલ્લડ જેવાં દ્રશ્યો જોવાં મળ્યાં હતાં. છરીઓ અને પાઇપો સાથે એકમેક સાથે મારું કે મરુંની સ્થિતિનું સર્જન કરનારી આ ઘટનાથી ભારે ભાગદોડ મચી હતી. સદ્ભાગ્યે પોલીસ સમયસર આવી જતાં મામલો વધુ બિચકતો અટકી ગયો હતો. બહાર આવેલી વિગતો અનુસાર એક જ સમાજના સદસ્ય એવા મસાલાની હાથલારીવાળા આ બન્ને પરિવારની આંખો આમ તો આજે સવારથી જ એકમેક સામે કતરાવા લાગી હતી. તેમાંયે વળી એકમેકને અયોગ્ય શાબ્દિક ઉચ્ચારણો સાથે ક્રમશ: ગરમી વધવા લાગી હતી. આ પછી ઢળતી બપોરે બન્ને પરિવાર આમને-સામને આવીને રીતસરના ટકરાયા હતા. આ મારામારીમાં એક યુવતીને માથામાં ઇજા પણ થઇ હતી. આ ટકરાવ દરમ્યાન એક જૂથના સભ્યોના હાથમાં છરીઓ તથા બીજા જૂથના સભ્યોના હાથમાં લોખંડના પાઇપ જેવાં હથિયારો જોવાં મળ્યાં હતાં. ટકરાવવાળી આ સમગ્ર પ્રક્રિયા ખાસ્સો એવો સમય ચાલતાં લોકોનાં ટોળાં’ એકત્ર થવા સાથે નાસભાગ સહિતના અને ડરનાં દ્રશ્યો પણ જોવાં મળ્યાં હતાં. દરમ્યાન મામલો પોલીસના ધ્યાને આવતાં મોબાઇલ સાથે પોલીસ ટુકડી દોડી આવતાં મારામારી વધુ હિંસક કે લોહિયાળ બનતી અટકાઇ હતી. પોલીસે એકત્ર લોકોને વિખેરવા સાથે એક ગાડીવાળા પક્ષને રવાના પણ કર્યો હતો. વિસ્તારમાં વ્યવસાય કરનારા વેપારીઓ અને અન્યોના જણાવ્યા મુજબ જો પોલીસ સમયસર આવી ન હોત તો મામલો વધુ વિકરાળ બનત, તો અન્ય એકાદ હાથલારીવાળા યુવાને ઝઘડા વચ્ચે પડીને જાનના જોખમે છોડાવવા માટેની કોશિશ પણ કરી હતી. તો આ ધમાલિયા ઘટનાક્રમને કારણે સામાજિક અંતરની જાળવણી ન થવા સહિતના અનેક મુદ્દાઓ પણ ઉપસ્થિત થયા હતા. દરમ્યાન આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક કરતાં બન્ને પક્ષની સામસામી અરજી લઈ તપાસ આરંભાઈ હોવાની વિગતો અપાઈ હતી.”