ઑ હો હવે તો હદ થાય છે?પોલીસ પાસે ‘ઈમાનદારી’ પણ ન બતાવાય; બ્લડ બેંક કર્મચારીનું બાઈક ડીટેઈન

લોકડાઉનની અમલવારી દરમ્યાન હવે પોલીસ દ્વારા અતિરેક કરવામા આવી રહ્યો હોવાની એક બાદ એક ફરીયાદો સામે આવી રહી છે ત્યારે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક યુવાનને પોતાની ઈમાનદારી બતાવવાનુ ભારે પડયુ છે. શહેરના રૈયા ચોકડી પાસેથી પસાર થઈ રહેલ યુવાન બ્લડ સેમ્પલ લેવા માટે જતો હોય માટે તે અહીં ફરજ પર રહેલા વોર્ડનને ઈમરજન્સી હોવાથી ઉભા રહેવાને બદલે મૌખિક રીતે કહી જતો રહ્યો હતો. બાદમાં તે ફરી અહીં આવ્યો હતો અને પોતાની ઈમરજન્સી અંગેનુ કારણ જણાવ્યુ હતુ. પરંતુ તેને કલ્પના પણ નહી હોય કે પોલીસ તેની સાથે આવો વ્યવહાર કરશે.પોલીસે આ યુવાનનુ બાઈક ડીટેઈન કરી દીધુ છે. બાઈકના અગાઉના મેમા પણ બાકી હોય લોકડાઉનની આસ્થિતિમાં યુવાનને બાઈક છોડાવવા માટેની રકમ ભરવી આર્થિક રીતે શકય નથી.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરની એક વોલન્ટરી બ્લડ બેંકમાં નોકરી કરનાર યુવાન ગુરૂવારના સવારના શહેરના રાજનગર પાસે બ્લડ સેમ્પલ લેવા માટે નીકળ્યો હતો. દરમ્યાન રૈયા ચોકડી પાસે તેને અહીં બંદોબસ્તમા રહેલા ટ્રાફીકવોર્ડને અટકાવતા યુવાને ઈમરજન્સી હોવાનુ કહી બાઈક હંકારી મૂકયુ હતુ.8-15ની આસપાસ યુવાન અહીંથી નીકળી ગયા બાદ સેમ્પલ લેવા પહોચ્યો હતો. સેમ્પલ લીધા બાદ તેણે ફરજ પરના વોર્ડન સાથે સંતોષકારક વ્યવહાર ન કર્યો હોય તેવુ મનમાં લાગી આવતા તે 9-15 આસપાસ ફરી રૈયા ચોકડી પાસે ગયો હતો.અહીં આવ્યા બાદ તેણે ટ્રાફીક વોર્ડનને ઈમરજન્સીમાં જવા અંગેનુ કારણ જણાવી તેમજ પોતાની પાસે કલેકટર તંત્ર દ્વારા ઈસ્યુ કરવામા આવેલ પાસ દેખાડયો હતો અને બ્લડ સેમ્પલ લેવા જવુ ખૂબ જ જરૂરી હોય અને તેમા વિલંબ કરી શકાય તેમ ન હોવાથી ઉતાવળે નીકળી ગયો હતો તેમ જણાવ્યુ હતુ પરંતુ આ વાત જણાવતા સમયે તેને ખ્યાલ પણ નહી હોય કે તેની ઈમાનદારી તેના માટે મુસીબતનુ કારણ બની જશે.વોર્ડને આ યુવાનની એકપણ વાત સાંભળવાનેબદલે તેને અહીં ફરજ પર રહેલા પોલીસ અધિકારી પાસે લઈ ગયો હતો અને તેની સમક્ષ જણાવ્યુ હતુ તે આ વાહનચાલક અટકાવવા છતા પોતાનુ વાહન પુરપાટ ઝડપે લઈ નાસી ગયો હતો. પોલીસ અધિકારીએ પણ આ યુવાનની વાત સાંભળવાને બદલે તેનુ બાઈક ડીટેઈન કરી દીધુ હતુ.બાઈક છોડાવવા માટે યુવાને પોતાનુ કારણ જણાવ્યુ, પોતે ઈમરજન્સી હોવાથી નીકળી ગયો હોવાનુ જણાવ્યુ, પાસ દેખાડયો રીતસર કાકલૂદી કરી છતાં પોલીસ અધિકારી ટસના મસ ન થયા તે ન જ થયા અને યુવાનનુ બાઈક ડીટેઈન કરી દીધું. ફેન્સી નંબરપ્લેટ અંગેના અગાઉના મેમો ભરવાના બાકી હોય અને હાલ લોકડાઉનની સ્થિતિ હોય યુવાન માટે મેમોની આ રકમ ચૂકવવી શકય નથી તેવી સ્થિતિમાં હવે યુવાનને પોતાની નોકરીમાંથી પણ હાથ ન ધોવા પડે તે ભીતિ સતાવી રહી છે.