રાજસ્થાનમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે ત્યારે હવે જયપુર જિલ્લા જેલમાં અત્યારે કોરોનાનો વિસ્ફોટ થયો છે. સ્વાસ્થ્ય વિભાગના શનિવારના સવારે 9 વાગ્યાના રિપોર્ટ અનુસાર જિલ્લા જેલમાં કોરોના પોઝિટિવના 48 નવા દર્દીઓનો સમાવેશ થયો છે. હવે જયપુરમાં જિલ્લા જેલમાં કુલ 58 કેસ સામે આવ્યા છે. જેમાં જેલરનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.જાણકારી પ્રમાણે એક કેદીના કારણે જેલમાં વાયરસ ફેલાયો છે. આશરે 4 દિવસ પહેલા એક કેદીનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ જયપુર જિલ્લા જેલમાં હડકંપ મચી ગયો હતો. ત્યારથી સતત નવા કેસ સામે આવી રહ્યા છે. પરંતુ શનિવારે એક સાથે 48 નવા કેસ આવ્યા બાદ જેલમાં સનસની ફેલાઈ ગઈ છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે ગેરકાયદે દારૂ સાથેના એક કેસમાં જમવારામગઢના એક વ્યક્તિને જેલમાં મોકલવામાં આવ્યો હતો. છેલ્લા 14 દિવસથી તે જેલમાં જ અલગ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. જોકે, આ સમયે તેમનામાં કોઈપણ પ્રકારના લક્ષણો મળ્યા ન હતા. થોડા દિવસ પછી કેદીને ખાંસીની ફરિયાદ બાદ કોરોના તપાસ કરવાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જયપુર જિલ્લા જેલમાં કોરોનાનો વિસ્ફોટ બાદ જેલ વિભાગ વધારે સાવચેતી રાખી રહી છે. હવે જયપુર જેલમાં આવનારા નવા કેદીઓને દોસા જેલમાં શિફ્ટ કરવામાં આવે છે. દોસા જેલમાં બંધ કેદીઓને સિયાલાવાતામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જેલ વિભાગે રાજસ્થાનની બધી જિલ્લાઓમાં અલગથી વોર્ડ બનાવવાનો આદેશ આપ્યો છે. જ્યાં નવા કેદીઓને રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેથી પહેલાથી બંધ કેદીઓમાં કોરોના ન ફેલાય.