કચ્છનું હિમાલય રાષ્ટ્રીય પક્ષીથી ગુંજતો થયો

ધીણોધર ડુંગરની તળેટીમાં ચણતા મોર, પીલુડીના વૃક્ષો, જળાશયોમાં વિચરતાં તરહ તરહના પક્ષીઓ પક્ષીપ્રેમીઓ માટે એક આનંદનો વિષય બની રહે છે. મા સરસ્વતીનું વાહન અને રાષ્ટ્રીય પક્ષી મોરની છેલ્લા પાંચેક વરસથી ધીણોધર/થાનના જંગલોમાં મોટી વસાહતો ઉદ્ભવતાં કચ્છનો હિમાલયસમો ધીણોધર ડુંગર મોર પક્ષીના ટહુકાથી ગાજી ઊઠે છે. ધીણોધર/થાનના જંગલોમાં મોર, કબૂતર, હોલા આદિ જાતિના પક્ષીઓની ઉત્તરોતર વધતી વસતીને ધ્યાને લેવાય તો જંગલોના પક્ષીઓ દ્વારા પક્ષીપ્રેમી, જીવદયા પ્રેમીઓને મળતા આનંદમાં વૃદ્ધિ સાથે સીમાડામાં પર્યાવરણની અસલિયતતાનું અસ્તિત્વ ટકી રહે. ધીણોધર/થાન ડુંગરાળ વિસ્તારના જંગલોમાં મોર, પક્ષીઓની ઉત્તરોતર વધતી સંખ્યાના સમીકરણ સાથે કારણો તપાસતાં એવું સ્પષ્ટ થાય છે કે આ વિસ્તાર ધીણોધર/થાનના ફરતે ડુંગરની રખાલ તરીકે જંગલ ખાતા દ્વારા સુરક્ષિત કરાયો છે અને દેશી વનસ્પતિ-ઝાડીને કાપવા પર પ્રતિબંધ આવતાં એવી મીઠી ઝાડીનું કદ-પ્રમાણ વધતાં એકાદ હજાર મોર તેમજ હોલા, કબૂતર વિવિધ જાતિના પક્ષીઓને આહાર-વિહાર’ માટે શુલભ બન્યું છે. બીજી તરફ ભૂતકાળમાં શિકાર પ્રવૃત્તિની ચહલ-પહલથી પક્ષીઓનો થતો વિનાશ પણ આ વિસ્તારના જીવદયા પ્રેમીઓની હાક-ધાકથી, પક્ષીઓને રક્ષણ મળતાં તેમજ ધર્મસ્થાનક ધીણોધર/થાન જાગીરના સાધુ-સંતો, કર્મચારીઓ દ્વારા પક્ષીઓને ચણ-પાણીની સારસંભાળથી પક્ષીઓ માટે સુગમતા વધતાં સંખ્યા વધી છે. સેવાર્થી કુલદીપસિંહ જાડેજા (નાની અરલ)એ જણાવ્યું કે ધીણોધર તળેટીમાં આવેલા રામદેવપીર મંદિર પાછળના મેળાના મેદાનમાં સવાર-સાંજે બે ટાઇમ જુવાર, ઘઉં, મકાઇ જેવા ધાન્યોનું ચણ પડે છે જે ચણવા અંદાજિત 200થી 300ની સંખ્યામાં મોર, ઢેલ, હોલા, કબૂતર, ચકલા સહિતના પક્ષીઓ ઊતરી પડે છે. આ પક્ષીઓ માટે પાણી પીવા માટે સિમેન્ટ, માટીના કુંડા મૂકવામાં આવ્યા છે. સેવાર્થી કુલદીપસિંહએ જણાવ્યું હતું કે, ધીણોધરના મહંત મહેશનાથજી, થાનના મહંત સોમનાથજી સંતો દ્વારા પક્ષીઓના રક્ષણ, આહાર પાણી માટે પૂરતું ધ્યાન આપવામાં આવે છે. જીવદયા પ્રેમીઓ દ્વારા ચણ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાય છે. કુદરતી સૌન્દર્યની ભવ્યતા ધરાવતા આ વિસ્તારના જંગલોમાં વિચરતા પક્ષીઓની સંખ્યા વિસ્તારવા જંગલ ખાતા દ્વારા પીલુડી, ખેર, દેશી બાવળ જેવી વિવિધ વનસ્પતિઓના વૃક્ષોનું વધુ પ્રમાણમાં રોપણ, ઉછેર, પક્ષીઓને પીવા માટે સિમેન્ટના ઓછી ગહેરાઇવાળા પીવાના પાણીના કુંડા, હવાડા તેમજ આહાર માટે ધાન્ય ચણની વધુ વ્યવસ્થા કરવામાં આવે તો આ વિસ્તાર પક્ષીઓથી વધુ ગુજંતો થાય. હજી સુધી ધીણોધર આસપાસ પવનચક્કીઓ નાખવા દેવામાં આવી નથી તે પણ પક્ષીઓની સુખ, શાંતિ માટેનું મોટું પરિબળ સાબિત થયું છે.