ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલનાં બાયોમેડીકલ એન્જિનિયરિંગ વિભાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર બનવાના સંકલ્પમાંથી પ્રેરણા લઇ એક ઓટોમેટીક સેનેટાઈઝર યંત્ર વિકસાવીને કાર્યાન્વિત કર્યું છે. જે કોરોનાનાં વાયરસ સામે હાથને સ્વચ્છ(સેનીટાઈઝ) કરે છે. આ મશીન વોકલ ટુ લોકલ બન્યું છે. આજે કોરોનાના પ્રસરણને અટકાવવા સેનીટાઈઝરનું મહત્વ વધ્યું છે. સામાન્ય રીતે બોટલ મારફતે હાથને સ્વચ્છ કરવામાં આવે છે. પરંતુ, અડક્યા વગર હાથ ઉપર સીધું દ્રવ્ય આવે એવું ઓટોમેટીક મશીન બજારમાંથી ખરીદવાને બદલે જાતે બનાવી એડમીન વિભાગમાં મુક્યું છે. બાયોમેડીકલ એન્જિનિયરિંગ વિભાગના વડા ભાવેશ પટેલના જણાવ્યા અનુસાર રામજીભાઈ ચૌહાણ અને જય ત્રિવેદીએ નજીવા ખર્ચે ઓટોમેટીક સેનીટાઈઝર વિકસાવ્યું છે. વધુ વિગત આપતા તેમણે કહ્યું કે, લાકડાના બોક્સમાં ૧૦ લિ.નું સેનેટાઈઝર કેન મૂકી તેને મોટર સાથે પ્રોક્સીમેટ્રી સેન્સરથી જોડી દેવામાં આવ્યું છે. આ મશીનના સેન્સર નીચે હાથ મુકતા જ જરૂરી દ્રવ્ય હાથ ઉપર આવે છે અને હાથ સેનીટાઈઝર કરી શકાય છે.