ભુજ ખાણ ખનીજની ટીમ પર હુમલો કરનાર ત્રણની ધરપકડ

 

ભુજ માં  આરટીઓ સર્કલ પાસે બુધવારે સાંજે ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર અટકાવવા મુદે ખનીજ માફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ સામે ફરજમાં રુકાવટ અને હુમલા સબબ ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી વાહનો અને લોડર જપ્ત કર્યા હતા. ભુજ ખાણ ખનીજ કચેરીમાં ફલાઈંગ સ્કવોડના મદદનીશ નિયામક પ્રણવસિંગ તથા રોયલ્ટી ઇન્સ્પેકટર રાહુલ મહેશ્વરી આર.ટીઓ સર્કલ પાસે ચેકીંગમાં હતા તે દરમ્યાન સાંજે પોણા પાંચ વાગ્યાના અરસામાં ડમ્પર જીજે. 12. બીએક્સ. 8837  ઓવરલોડ રેતી ભરીને આવતું હોવાથી તેને રોકીને વજનકાંટામાં તપાસ માટે લઈ જતા હતા. ત્યારે પ્રવિણભાઈ જેશાભાઈ આહિરે પોતાની કેટા કાર જીજે. 12. ડીએસ. 8437 અને મનીશ જેશાભાઈ આહિર જીજે. 12. ડીજી. 3437 લઇને આવ્યા હતા. માધાપર રોડ પર મઢુલી સર્કલ પાસે ખાણ ખનીજ વિભાગની ગાડીને ખાણ ખનીજની ટીમ પર હુમલો કર્યો હતો. અને રેતી ભરેલું ડમ્પર ત્યાંથી લઇ ગયા હતા. બાદમાં નળવાળા સર્કલ પાસે રેતી ખાલી કરી ડમ્પરને ભાગાડી મુક્યું હતું. આ સંદર્ભે ખાણ ખનિજ વિભાગની ટીમે પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ત્યાર બાદ ડમ્પરમાં રેતી ભરી પોલીસે આગળની તપાસ હાથ ધરતાં આ રેતી 31,250 મેટ્રીક ટન ગેરકાયદે હોવાનું સામે આવ્યું હતું. તેમજ દેશલપર  મુંદરાની લીઝમાંથી ભરાઇ હોવાનું બહાર આવ્યું હતું.  પોલીસે ભુજ તાલુકાના કોટાય ગામના આરોપી પંચાણ વેલજી આહિર, પ્રવિણ આહિર અને મનીશ આહિર સામે ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી વાહન તથા લોડર કબજે કરી આગળની તપાસ પીએસઆઈ એ.એન. ભટ્ટે હાથ ધરી છે.