જીકેમાં રિપોર્ટ બે દિવસે મળતા થેલેસેમિયાં દર્દીને હાલાકી વેઠવી પળી

ભુજની જનરલ હોસ્પિટલમાં કાર્યરત બ્લડ બેંકમાં થેલેસેમિયાના બાળકને રક્ત ચડાવતા પહેલા કરવામા આવતા એલાઇઝા ટેસ્ટના રિપોર્ટ બે દિવસે મળતા હોવાથી અંતરિયાળ વિસ્તારમાંથી આવતા બાળ દર્દીઓને હાલાકી વેઠવી પડતી હોવાની રાવ કેટલાક વાલીઓ અને રક્તદાન ક્ષેત્રે સંકળાયેલી સંસ્થા દ્વારા કરાઇ છે. લોક ડાઉનના કપરા સમયમાં પણ થેલેસેમિયાના દર્દીને લોહીની અછત ન થાય તે માટે કાર્યરત સક્ષમ સંસ્થાના કહેવા મુજબ દર્દીને લોહી ચડાવતા પહેલાં દાતાનો એલાઇઝા ટેસ્ટ કરવામા આવે છે. શહેરની ખાનગી લેબોરેટરીમાં આ પરીક્ષણનો રિપોર્ટ માત્ર 3 કલાકમાં આપી દેવાય છે જ્યારે જનરલ હોસ્પિટલની બ્લડ બેંકમાં રિપોર્ટ માટે બે દિવસનો સમય માગવામા આવી રહ્યો છે. કેટલાક કિસ્સામાં રાપર કે લખપત જેવા અંતરિયાળ વિસ્તારમાંથી બાળ દર્દી લોહી ચડાવવા માટે આવે છે તેમને પણ બે દિવસે રિપોર્ટ મળશે તેમ જણાવાતું હોવાથી મુશ્કેલીમાં મુકાય છે તેવો આક્ષેપ સંસ્થાના અમિષ મહેતા દ્વારા કરાયો હતો. તેમના જણાવ્યા મુજબ આ સંજોગોમાં નાછૂટકે ખાનગી લેબમાં પરીક્ષણ કરાવવું પડે છે. ગુરૂવારે પણ 8 દર્દીનો આવી રીતે ટેસ્ટ કરાવો પડ્યો હતો. આ અંગે આસિ. મેડિ. સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણીનો સંપર્ક સાધતાં હવે કેમ્પ યોજવાની મંજૂરી મળી ગઇ હોવાથી નજીકના સમયમાં ઉકેલ આવી જશે તેમ જણાવ્યું હતું.