હું તમારી પોલીસના ત્રાસથી ત્રાસી ગઈ છું.હવે મારે મરી જવું છે

હું તમારી પોલીસના ત્રાસથી ત્રાસી ગઈ છું…હવે મારે મરી જવું છે, દીકરીઓ જોડે હું આપઘાત કરી લઈશ…’સંત્રીએ મહિલાને સમજાવી હતી કે આમ અડધી રાતે સાહેબના ઘરે આ રીતે રજૂઆત કરવા ના અવાય. તમારે રજૂઆત કરવી હોય તો સવારે સમય લઈને સાહેબની ઑફિસે જઈ રજૂઆત કરજો…જો કે તેમ છતાં મહિલા સાહેબને મળવાની જીદ્દ પકડીને બેઠી હતી. જેથી સંત્રીએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં નાઈટ પેટ્રોલીંગમાં રહેલાં પીએસઆઈ અશોક ભટ્ટ તરત મારતી જીપે IGના નિવાસસ્થાન તરફ ધસી ગયાં હતા. પોલીસ પહોંચી તે સમયે આ મહિલા પરત તેના ઘર માધાપર તરફ જતી હતી. આર્મી ગેટ પાસે પીએસઆઈ અશોક ભટ્ટ તેને અટકાવીને જીપમાં બેસાડી કંટ્રોલ રૂમ ખાતે લઈ આવ્યાં હતા. પતિ બૂટલેગર છે અને પોલીસ વારેવાર કેસ કરી બધાને હેરાન કરે છે31 વર્ષની આ મહિલા માધાપર જૂનાવાસમાં આવેલા સ્વામિનારાયણનગરમાં રહેતી મીતા યોગેશ ઢાલુમલ ગુરનાની હતી. તેનો પતિ યોગેશ ઊર્ફે યોગલો અંગ્રેજી શરાબની બાટલીઓનો સોદાગર છે. બેએક દિવસ પહેલાં જ પોલીસે તેના ઘરમાં દરોડો પાડી 26 હજારનો માલ પકડ્યો હતો. દરોડા સમયે યોગલો પોલીસના હાથ આવ્યો નહોતો. ઘરમાંથી માલ મળતાં પોલીસે યોગલા ઉપરાંત મીતા સામે પણ દારૂનો કેસ નોંધ્યો હતો. મીતાએ પોલીસને જણાવ્યું કે, મારો ધણી બૂટલેગર છે. પોલીસ કેસ નોંધીને અવારનવાર સાચી-ખોટી રીતે અમને બધાને સતત પરેશાન કરે છે. તેથી હું ત્રાસી ગઈ છું. તેથી હું સાહેબને રજૂઆત કરવા આવી હતી. પોલીસે આપઘાત ના કરવા અંગે સમજાવટ કરી મીતા અને તેની 3 દીકરીઓને સરકારી જીપમાં બેસાડી તેના પિતા કાનજી હિરાણીના ઘેર મોકલી આપી હતી. જો કે, અડધી રાતે બહાર નીકળીને મીતાએ સરકારી જાહેરનામાનો ભંગ કર્યો હોઈ પોલીસે તેની વિરુધ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધ્યો હતો.પત્નીને લેવા આવેલો બૂટલેગર પતિ આખરે ઝડપાઈ ગયો ભુજ બી ડિવિઝન પોલીસે જ્યારે આર્મી ગેટ પાસે મીતાને અટકાવી પૂછપરછ કરતી હતી તે સમયે એકાએક ગ્રે કલરની બલેનો કાર તેને લેવા આવી હતી. કારમાં તેનો પતિ યોગેશ બેઠો હતો. યોગેશ દારૂના નશામાં ધૂત હતો. વળી, બે દિવસ અગાઉ પોલીસે પાડેલાં દરોડાના ગુનામાં તે હાથ નહોતો લાગ્યો. જેથી પોલીસે યોગેશને પણ પોતાનો મહેમાન બનાવી અંદર કરી દીધો હતો. યોગેશ સામે દારૂ પીને કાર હંકારવાનો તેમજ લૉકડાઉનનો ભંગ કરવા સબબ પોલીસે વધુ ગુના દાખલ કર્યા હતા.