આરોગ્ય અધિકારીની બાદબાકી પછી હવે કોરોના અંગે પૂરતી વિગતો અપાતી નથી

 જી.કે.જનરલની લેબોરેટરીમાંથી 21 પોઝીટીવ દર્દીઓની યાદી લીક થયાં બાદ હવે કચ્છમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગેની અધૂરી માહિતી જાહેર કરાઈ રહી છે.અગાઉ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પ્રેમ કન્નર માધ્યમોને વિગતવાર તમામ તાજી માહિતી આપતા હતા.જેમ કે, પોઝીટીવ દર્દીના નામ-સરનામાં ઉપરાંત દરરોજ કેટલાં સેમ્પલ લેવાયાં, કયા વિસ્તારમાંથી કેટલાં સેમ્પલ લેવાયાં, કેટલાં સેમ્પલમાંથી કેટલાંનો કેવો રીપોર્ટ આવ્યો, કેટલાં રીજેક્ટ થયાં, કેટલાં સેમ્પલ હજુ પેન્ડિંગ છે, દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીથી લઈ કોન્ટેક્ટ હિસ્ટ્રી સહિતની તાજી માહિતી વિગતવાર રજૂ કરાતી હતી. પરંતુ, જી.કે.ની લેબમાંથી 21 દર્દીનું લિસ્ટ લીક થઈ ગયા બાદ જિલ્લા આરોગ્ય અધિકારીની બાદબાકી કરી દેવાઈ છે. ઉપરી અધિકારી સાથેની અંટશમાં તેમની બાદબાકી કરી દેવાઈ કે પછી જે વિગત જાહેર નહોતી થવી જોઈતી તે જાહેર થઈ જતાં તેમને કદ પ્રમાણે વેતરી દેવાયાં? તે અંગે મોઢાં તેટલાં મત પ્રવર્તે છે. કચ્છમાં પાછલાં દસેક દિવસથી કોરોનાના કેસમાં ઊછાળો આવ્યો છે ત્યારે જ માહિતી પર અદ્રશ્ય અંકુશ મૂકી દેવાતાં અનેક અટકળો ઉઠી રહી છે. કચ્છની જનતાને સાચી અને સંપૂર્ણ માહિતીની જરૂર છે ત્યારે માધ્યમોને હવે ડીડીઓ કચેરી દ્વારા માત્ર દર્દીના નામ-સરનામા અને ઊંમર દર્શાવતી યાદી સાથેની પ્રેસનોટ પ્રગટ કરવા માટે પકડાવી દેવાય છે. સેક્રેટરીની જેમ પોતાનું ‘ડિક્ટેશન’ લેનારાં માધ્યમોને બાઈટ આપી દેવાય છે પણ થોકબંધ અને જાહેર હિતમાં સવાલો પૂછનારાં માધ્યમોના કર્મીઓ સાથેની મુલાકાત કે ટેલિફોનિક વાર્તાલાપ ટાળવામાં આવી રહ્યાં છે. કોરોનાના સંક્રમણ અને કેસ વધવાની વિશ્વભરની પેટર્ન જોતાં કચ્છમાં આવેલા એકાએક ઉછાળા બાદ અચાનક નાટ્યાત્મક ઢબે આવેલો ઘટાડો ખૂબ રાહતરૂપ છે. પરંતુ આ ઘટાડા પાછળના કારણો કયા છે તે અંગે ક્યાંયથી કશી સ્પષ્ટતા થતી નથી.

કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કચ્છ કલેક્ટરને ટ્વિટ કરી જણાવયું છે કે, પારદર્શક્તા જળવાઈ રહે તે માટે કુલ કુલ ટેસ્ટ સામે પોઝીટીવ દર્દીની સંખ્યા જેવી માહિતી જાહેર કરવી જોઈએ. શા માટે માત્ર આંશિક માહિતી રજૂ કરાય છે. શું એવી કોઈ ગંભીર બાબત છે જેને રાજ્ય સરકાર કચ્છની જનતાથી છૂપાવવા માંગે છે?