છેલ્લા ત્રણ દિવસથી કંડલા (એ) મથક પર મહત્તમ તાપમાન 43 ડિગ્રી કરતાં વધુ રહેતાં આ મથક હેઠળ આવતા વિસ્તારો ભઠ્ઠીમાં ફેરવાયા હોય તેવી ગરમી પડી રહી છે. શનિવારે 43.2 ડિગ્રી જેટલા તાપમાન સાથે રાજ્યભરમાં બીજા ક્રમનું મથક બની રહ્યું હતું. ચાલુ મોસમમાં અનેકવાર ટોપ થ્રીમાં રહેલા કંડલા (એ) મથકનો ગરમી કેડો નથી મૂકતી પરિણામે ગાંધીધામ, આદિપુર અને અંજાર સહિતના વિસ્તારોમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભુજમાં મહત્તમ 39.9, કંડલા પોર્ટ 40.1 અને નલિયા ખાતે 35.4 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. ગરમીમા નોંધપાત્ર રાહત નહિ મળે તેવો હવામાન વિભાગે વર્તારો વ્યક્ત કર્યો હતો.