સામખિયાળીમાં ગરમીના લીધે આંગણાંમાં સુવું દંપતિને ભારે પડી ગયું હતું. બન્યું એવું છે કે નિદ્રાધિન મહિલાએ ઓશિકા નીચે રાખેલું રૂ.9 હજાર રોકડ ભરેલું પર્સ અને મહિલાએ પગમાં પહેરેલા ઝાંઝર સહીત રૂ.15,370 ની માલમત્તા તસ્કર ચોરી ગયો હતો. નિંદર એટલી ગાઢ હતી કે, પરોઢે સામે રહેતા પડોશીએ બૂમ પાડી જગાડ્યા ત્યારે તેઓને આ ચોરીનો ખ્યાલ આવ્યો હતો. સામખિયાળી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, તીર્થ સોસાયટી ના બી-5 માં રહેતા 47 વર્ષીય ઇન્દુબેન ચમનલાલ રૈયા પતિ સાથે ઘરના આંગણામાં ગત રાત્રે સૂતા હતા જેમાં ઇન્દુબેને ઘરમાં રહેલા રોકડા રૂ. 9,770 ભરેલું પર્સ પોતાના ઓશીકા નીચે રાખી બન્ને પતિ પત્ની સૂઇ ગયા હતા. પરોઢે 4 વાગ્યાના અરસામાં તેમના સામે રહેતા આઝાદ આલમભાઇએ તેમને મોટેથી બૂમ પાડતાં જાગ્યા હતા. આજાદભાઇએ તેમને જણાવ્યું હતું કે કોઇ ઇસમ તમારા ખાટલા પાસે ઉભો હતો અને ઓશિકા પાસે કંઇક કરી રહ્યો હતો. નીદ્રામાંથી જાગેલા ઇન્દુબેને ઓશીકા નીચે તપાસ કરતાં રૂ.9,770 રોકડ ભરેલું પર્સ જોવા મળ્યુ઼ ન હતું તો તેમણે પોતાના પગમાં પહેરેલા રૂ.5,600 ની કિંમતના ઝાંઝર પણ તસ્કર ઉતારી ગયો હતો. કુલ મળી ઘોર નિદ્રાનો લાભ લઇ તસ્કર ઇસમ રૂ.15,370 ની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ ઇન્દુબેને પોલીસ ચોપડે નોંધાવતાં પોલીસે તપાસ આદરી છે.