દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા દોઢ લાખને નજીક, છેલ્લા 24 કલાકમાં 6,535 નવા કેસ

 

દેશમાં 60,491 દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ્ય થયા, રિકવરી રેટ 41.60 ટક

દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો દોઢ લાખની નજીક પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારે સવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ 145380 કેસ નોંધાયા છે જેમાંથી 60491 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 146 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 4167 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 80722 એક્ટિવ કેસ છે.જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર 41.60 ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 6535 નવા કેસ સાથે દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો 145380 સુધી પહોંચી ગયો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 3619 લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 52667 કેસ નોંધાયા છે જ્યારે 1695 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 17082 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 118 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ ગુજરાતમાં 14460 લોકો સંક્રમણમાં આવ્યા છે જેમાંથી 888 લોકોના મોત થયા છે. દિલ્હીમાં 14053, રાજસ્થાનમાં 7300, મધ્યપ્રદેશમાં 6859 અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના 6532 કેસ સામે આવ્યા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 5495491 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 346227 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 2231523 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 2917741 કેસ એક્ટિવ છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં 10માં ક્રમ પર પહોંચી ગયો છે. જ્યારે કોરોના વાયરસના એક્ટિવ કેસના મામલામાં ભારત દેશ હવે અમેરિકા, રશિયા, બ્રાઝીલ અને ફ્રાન્સ બાદ પાંચમાં ક્રમાંક પર પહોંચી ગયો છે.