ગાંધીધામના જાણીતા વકીલને ATSએ ATM ઠગાઈ કેસમાં ઉઠાવ્યા

ગાંધીધામ, અંજાર વિસ્તારના સીનીયર ધારાશાસ્ત્રીને એટીએસ, ગુજરાતની ટીમે આવીને ઉપાડી જતા ચકચાર મચી ગઈ હતી. એટીએસના સતાવાર સુત્રોએ 2012માં થયેલી 3 કરોડ જેટલાની એટીએમ ઉચાપત પ્રકરણમાં તેમના પર આરોપીઓને આશરો આપીને મદદ કરી હોવાનો આક્ષેપ હોવાના અંતર્ગત આ કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું હતું. ગુજરાતની એન્ટી ટેરેરીસ્ટ સ્ક્વોર્ડની ટીમ મંગળવારે આદિપુરમાં ધસી આવી હતી, જ્યાં તેમણે સીનીયર ધારાશાસ્ત્રી દિલીપ જોશીને સાથે લઈને ભચાઉ તરફની વાટ પકડી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે આદિપુર પોલીસ મથકે ઔપચારીક જાણ કરીને ભચાઉ કોર્ટમાં લઈ જવાયા હતા. જ્યાં ટ્રાન્સીઝટ વોરંટ કાઢીને નિયમાનુસાર અટક પહેલા કોરોના કોવીડ 19 ટેસ્ટ કરવા માટે અમદાવાદ લઈ જવાયા હતા. સંકુલના મોટા માથાઓના કેસોમાં ભુમિકા ભજવનાર ધારાશાસ્ત્રીને એટીએસની ટીમ ઉઠાવી ગઈ હોવાની વાત ફેલાતા ચર્ચાના ચકડોળે ચડી હતી અને અનેકવિધ ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા. આ અંગે એટીએસના પીએસઆઈ સંતોકબેન ઓડેદરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે 2012 માં એટીએમ પ્રકરણમાં થયેલી ઉચાપત પ્રકરણમાં તેમના વિરુદ્ધ પણ આરોપીઓને આશરો આપ્યાનો આરોપ લાગેલો છે, ચોરીનો સમગ્ર ઘટનાક્રમ થયો ત્યારે આરોપીઓના વકીલ તરીકે તેમણે ફરજ નિભાવી હતી. પરંતુ આરોપીઓ જ્યારે પોલીસથી ભાગતા ફરતા હતા ત્યારે તેમને મળવા રાજસ્થાન સુધી જઈને મદદ કરી હતી. જે વિરુદ્ધ 5 એફઆઈઆર ગાંધીધામમાં એ અને બી ડિવીઝન, ભચાઉ, આદિપુર અને અંજારમાં નોંધાયેલી છે. જે અનુસંધાને પ્રથમ અટક ભચાઉ પોલીસ મથકે દેખાડવાની હોવાથી તેમને ભચાઉ લઈ અવાયા હતા. વર્તમાન સંજોગોમાં નિયમ અનુસાર કોરોના કોવીડ 19 ટેસ્ટ અટક કરતા પહેલા કરવું જરુરી હોવાથી તે માટે અમદાવાદ લઈ જવાયા હતા. જ્યાં પ્રક્રિયા પતે નહી, ત્યાં સુધી આઈસોલેશનમાં રખાયા છે. 2012માં અલગ અલગ એટીએમમાં રોકડ રુપીયાને નાખવાનું કામ કરતી રાઈફર રોફગાર્ડ એજન્સીના લોકોએ સીક્યોરીટી ગાર્ડને સાથે લઈને લુંટનું તરકટ પણ રચ્યુ હતું, પરંતુ તપાસમાં ભાંડો ફુટી ગયો હતો. આરોપીએ એટીએમમાં નાખવાના રુપીયાઓ દરેક એટીએમમાં ઓછા નાખીને બાકીના રુપીયા પોતે રાખવા લાગ્યા હતા. આમ કરીને કુલ 3 કરોડ જેટલો દલ્લો તેમણે સમેટી લીધો હતો, જે તપાસમાં ધીરે ધીરે ખુલ્યું હતું, અને માતબર રકમની રીકવરી પણ કરાઈ હતી. જે અંગે 14/09/2012ના પુર્વ કચ્છના પાંચ પોલીસ મથકોએ કર્મચારી દ્વારા વિશ્વાસઘાત દર્શાવતી કલમ 408 સહિતના એક્ટ અંતર્ગત 11આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. તો ધારાશાસ્ત્રીને પણ 2016માં સમન્સ પાઠવાયો હતો, જે સામે હાઈકોર્ટથી સ્ટે લઈ આવતા કાયદાકીય કાર્યવાહી આગળ વધતા અટકી હતી. આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય 8 આરોપીઓની પોલીસે અટક કરી લીધી હતી, જેમાંથી 5ની અટક બાકી હતી.હાઈકોર્ટની માર્ગદર્શીકા અનુસાર કોરોના મહામારીના ગાળામાં જ્યાં સુધી આરોપીનો કોરોના ટેસ્ટ નહી થાય ત્યાં સુધી તેમની અટક દર્શાવી શકાતી નથી. જેથી મંગળવારે એટીએસની ટીમે કોરોના ટેસ્ટ કરાવવા માટે પહોંચી ત્યારે સાંજના 4 વાગ્યા સુધીજ તે થતો હોવાનું સામે આવ્યું હતું, જેથી હવે બુધવારના સવારે 11 વાગ્યે ટેસ્ટ કરાશે. ત્યાં સુધી જોશીને આઈસોલેશનમાં રખાયા હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.