બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા કેમેરામાં કેદ થયેલા વિદ્યાર્થીઓની સુનાવણી શરૂ કરી દેવામાં આવી

રાજકોટ:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધો.10 અને 12ની પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ કરતા કેમેરામાં કેદ થયેલા વિદ્યાર્થીઓની સુનાવણી આજથી શરુ કરી દેવામાં આવેલ છે.

જેમાં આજે પ્રથમ દિવસે જેમાં આજે પ્રથમ દિવસે ગોંડલની મોંઘીબા ગર્લ્સ હાઈસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયે સુનાવણી હાથ ધરી 16 જેટલા વિદ્યાર્થીઓના નિવેદનો લીધા હતા. જેમાં પરીક્ષાખંડની વિડીયો કલીપ દર્શાવી વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે તેમ ખંડ નિરીક્ષકો અને સ્થળ સંચાલકોના પણ નિવેદનો શિક્ષણાધિકારી ઉપાધ્યાય દ્વારા લેવામાં આવેલ હતું.

જયારે આવતીકાલે તા.11ના જસદણની મોડેલ સ્કુલ તેમજ ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કુલ તેમજ તા.16ના રાજકોટની કરણસિંહજી હાઈસ્કુલ ખાતે આવા વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરવામાં આવશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા મારફત રેકોર્ડીંગ કરવામાં આવેલ હતું. જેની 1000 જેટલી સીડીની કરાયેલ તપાસણી દરમ્યાન 143 જેટલા વિદ્યાર્થીઓ શંકાસ્પદ રીતે પરીક્ષા ચોરી અને ગેરરીતિ કરતા કેમેરામાં કેદ થયા હતા.

આ વિદ્યાર્થીઓની આજથી સુનાવણી શિક્ષણાધિકારી ઉપાધ્યાય દ્વારા હાથ ધરવામાં આવી છે. જે બાદ શિક્ષણબોર્ડને રિપોર્ટ કરવામાં આવશે.