કચ્છ પર ફરી તીડ ત્રાટકે તેવી દહેશત વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં

ભુજ: કચ્છ પર ફરી પાછો રણતીડરૂપી આફતનો ખતરો મંડરાઇ રહ્યો છે અને યમન, સોમાલિયાથી તીડ ત્રાટકે તેવી દહેશત વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં છે. થોડા દિવસો પહેલા રાપર, ભચાઉ તાલુકામાં મોટી સંખ્યામાં રણતીડે દેખા દીધી હતી, જેનો તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરી નાશ કરાતાં ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો તેવામાં કચ્છમાં ફરી રણતીડ ત્રાટકે તેવી શક્યતાથી જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. યુ.એન.ની કૃષિ સંસ્થા @FAO એ આગામી સમયમાં સોમાલિયાથી આવતા રણતીડનું ઝુંડ હવે યમનથી ત્રાટકે તેવી આગાહી કરી છે, જે દ્વારકાથી રાજ્યમાં પ્રવેશ્યા બાદ કચ્છ સુધી આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ અંગે ભુજ સ્થિત તીડ નિયંત્રણ કચેરીના પ્લાન્ટ પ્રોટેક્શન ઓફિસર અશોક બારૈયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આગાહી મુજબ રણતીડ કચ્છ સુધી આવી શકે તેવી શક્યતા ઓછી છે કારણ કે, કચ્છ-સોમાલિયા વચ્ચેનું અંતર વધુ છે આવી સ્થિતિમાં નિયમિત ઉડાન ભરીને રણતીડ કચ્છ સુધી આવે તેવી શક્યતા નહિવત છે તેમ છતાં પણ આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં છે.