કચ્છમાં બે આરોપી અને એક જેલ કર્મચારી સહિત કોરોનાના વધુ નવ પોઝિટિવ કેસ


કચ્છમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બે આરોપી, એક જેલ કર્મચારી, એક બીએસએફના આરોગ્ય કર્મચારી સહિત નવ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને લઈને જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૧૬૪ સુધી પહોંચી ગયો છે. આવું જ ચાલું રહેશે તો આગામી એક સપ્તાહમાં જ જિલ્લામાં દર્દીઓનો આંક ૨૦૦ને પાર કરી જાય તેવી શક્યતા આરોગ્ય સૂત્રોએ વ્યક્ત કરી છે.કચ્છમાં કોરોના પોઝિટિવ કુલ દર્દીઓમાંથી ૧૦૨ સાજા થઈ ગયા છે. જ્યારે હાલ ૫૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં ૮ દર્દીના મોત નિપજ્યા છે. આજે વધુ આવેલા નવ પોઝિટિવ કેસ અંગે મળતી વિગતો અનુસાર ભુજની પાલારા જેલમાં ફરજ બજાવતા કર્મચારી રાજવિરસિંહ પરમાર(ઉ.વ.રર)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગાંધીધામમાં ફરજ બજાવતા બીએસએફના ૩૦ વર્ષિય આરોગ્ય કર્મચારી વિજેન્દરસિંઘનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.જ્યારે ટ્રેક્ટર ચોરીના કેસમાં પકડાયેલા ભુજના લોરિયાના વિરમસિંહ જાડેજા(ઉ.વ.રર) અને માંડવીના માર મારવાના બનાવમાં પકડાયેલા મહાવીરનગરના પુનશી ગઢવી(ઉ.વ.ર૮)ના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. આ તમામ લોકો નજીકના ભૂતકાળમાં ઘણા લોકો સાથે સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોના આરોગ્યની તપાસ માટે પણ આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી છે.આ સિવાય પાટણથી ભુજ આવેલા માંડવીના પપ વર્ષિય આધેડ દિપકભાઈ મગનલાલ જોશી, ભુજના ગડા પાટીયા પાસે કલ્યાણેશ્વરમાં રહેતા ૩૭ વર્ષિય યુવક સંદિપ ઝાલા, અબડાસાના હરિપરની ર૦ વર્ષની યુવતિ જીવીબેન રમેશભાઈ, અંજારના મેઘપર બોરીચીમાં રહેતા ૪૬ વર્ષિય રેખાબેન ભગવંત ઉપાધ્યાય, રાપરના બેલા ગામના વતની અને હાલ બાલાસર રહેતા ર૯ વર્ષિય દેવુભા હેતુભા વાઘેલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે