7 તાલુકામાં ઝાપટાથી અડધા ઇંચ સાથે મેઘરાજાની ફરી એન્ટ્રી

ભુજ: અષાઢી બીજથી એક સપ્તાહ કોરૂં ગયા બાદ કચ્છમાં ઝાપટાથી અડધા ઇંચ સાથે મેઘરાજાની ફરી એન્ટ્રી થઇ હતી. પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ, પશ્ચિમે નખત્રાણા, લખપત અને અબડાસા તેમજ તટીય માંડવી અને મુન્દ્રામાં વરસાદે હાજરી પુરાવી હતી જ્યારે ભુજ, અંજાર અને ગાંધીધામમાં અસહ્ય બફારા વચ્ચે લોકોની મેઘ મહેર માટેની પ્રતીક્ષા લંબાઇ હતી. ભુજમાં મેઘાડંબર સાથે વરસાદ તૂટી પડવાની શહેરીજનોએ આશા સેવી હતી પણ માત્ર છાંટા પડ્યા હતા. જો કે, સવારથી બફારાનો સામનો કરી રહેલા શહેરમાં થોડી ઠંડક રૂપી રાહત અનુભવાઇ હતી. પૂર્વમાં ભચાઉમાં ભારે ઝાપટું પડતાં બજાર સહિતના વિસ્તારમાં પાણી વહી નીકળ્યા હતા અને થોડી વાર માટે ઠંડક પ્રસરી ગઇ હતી. તાલુકાના સામખિયાળીમાં અમી છાંટણા થયા હતા. રાપર પંથકમાં ઝાપટાં પડયાં હતાં. તાલુકા મથક રાપરમા અડધા કલાક સુધી વરસાદ પડતાં દેના બેંક ચોક. માલી ચોક. મુખ્ય બજારો. આથમણા નાકા સહિતના વિસ્તારમાં થી પાણી વહી નિકળ્યા હતા. સોમવારે લાકડાં વાંઢ સહિતના વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. આડેસર, ચિત્રોડ. નીલપર, કલ્યાણપર, પ્રાગપર, નંદાસર, ત્રંબૌ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં અડધા ઇંચ જેટલું પાણી વરસ્યું હતું.
પશ્ચિમ કચ્છના નખત્રાણામાં ગાજ્યા મેહ વરસે નહિ ઉક્તિ સાર્થક ઠરી હોય તેમ દિવસભર મેઘાવી માહોલ રહ્યો હતો તેની સાથ અમુક ગામોમાં માત્ર ઝરમર રૂપે હાજરી રહી હતી. મથલ ડેમ વિસ્તારમાં ઝાપટું પડ્યું હતું તો મોરાય, ટોડિયા, દેશપર ગુંતલી પંથકમાં ધીમી ધારે પાણી વરસ્યું હતું. લખપત તાલુકામાં અસહ્ય ગરમી વચ્ચે બપોરે ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. દયાપર, મેઘપર, દોલતપર, સુભાષપર, વિરાણી, ઘડુલી, સિયોત, પાન્ધ્રોમાં ઝાપટાથી માર્ગો પર પાણી વહ્યા હતા. બીજી બાજુ અષાઢ માસના 10 દિવસ વીતવા છતાં મેઘકૃપા ન થવાથી આ પંથકના કિસાનો અને માલધારીઓ મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવી આશા સેવી રહ્યા છે.
અબડાસા તાલુકાના નલિયામાં ભારે ઝાપટા સાથે અડધા ઇંચ જેટલી મહેર થઇ હતી. વેગીલો વાયરો ફુંકાતાં બસ સ્ટેશન બહાર લીમડાના વૃક્ષની ડાળી તૂટી હતી પણ સદ નસીબે કોઇ જાન હાનિ થઇ ન હતી. ગાજવીજ સાથે પડેલા વરસાદના પગલે બજાર ચોકમાંથી પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં હળવા ઝાપટા પડ્યા હતા. મુન્દ્રામાં વહેલી સવારથી વાદળછાયા માહોલ વચ્ચે અસહ્ય ઉકળાટ બાદ બપોરે બે વાગ્યાના અરસામાં ઝાપટું પડતાં માર્ગો ભીંજાયા હતા. માંડવીમાં બપોરના અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અંઘારપટ માહોલ વચ્ચે ભારે પવન સાથે 13 મીમી જેટલો વરસાદ નોંઘાયો હતો ઉકળાટમાં ઠંડો વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીમાં રાહત મળી હતી તો હવામાન વિભાગની આગાહી મુજબનું વાતાવરણ સર્જાતા સક્રિય ચોમાસાની આશા બંધાઇ હતી. આ સીઝનમાં અગાઉ 48 કલાકમાં 368 મી.મી વરસાદ ખાબકી ગયો છે તે છતાં ગરમીનો પારો યથાવત રહ્યો છે આજના વરસાદથી લોકોને ગરમીમાં થોડી રાહત જોવા મળી હતી