ગાગોદરમાં 9 જુગારીઓ 2.80 લાખની રોકડ સાથે ઝડપાયા

ગાંધીધામ: રાપર તાલુકાના ગાગોદરમાં આવેલા રહેણાક મકાનમાં ધમધમી રહેલા જુગારધામ ઉપર પહોંચી આડેસર પોલીસે મુખ્ય સંચાલક સહિત 9 જુગારીઓને રૂ.2,80,400 રોકડ રકમ સહિત કુલ રૂ.2,87,900 ના મુદ્દામાલ સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી પોલીસે કરી હતી. આ બાબતે પીએસઆઇ એ.પી.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આડેસર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ગાગોદર ગામમાં રહેતો પપ્પુ કાલા ભરવાડ પોતાના મકાનમાં બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે તેના મકાનમાં દરોડો પાડી 9 જુગારીને રૂ.2,80,400 રોકડ રકમ તેમજ રૂ.7,500 ની કિંમતના 5 મોબાઇલ સહિત કુલ રૂ. 2,87,900 ના મુદ્દામાલ સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં પીએસઆઇ સાથે બલભદ્રસિંહ ઝાલા, જયેશ પરમાર, રાજેશ દેદારિયા, રાજેશ પરમાર, બલભદ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ સોલંકીવિષ્ણુદાન ગઢવી સહિતની ટીમ જોડાઇ હતી. જગુભા ચમનસંગ જાડેજા, સણવા-રાપર, બાબુ ભગુ ભરવાડ, ગાગોદર, નવિન ઇશ્વરલાલ ઠક્કર, આધોઇ-ભચાઉ, શક્તાભાઇ રાયમલભાઇ ભરવાડ, ગાગોદર, હરેશ હીરાભાઇ આહિર, સામખિયાળી, દામજી શીવજી ગડા, ગાગોદર હાલે મુંબઇ, દેવાભાઇ રાયમલભાઇ ભરવાડ, ગાગોદર, અરવિંદસિંહ કલુભાઇ જાડેજા, આધોઇ-ભચાઉ, પપ્પુ કલાભાઇ ભરવાડ, ગાગોદર (મુખ્ય સંચાલક).