ભચાઉના તરઘડી વિસ્તારમાં માછલીના વરસાદથી કૌતુક

ભચાઉ: ખેતરમાં મરેલી અને પાણીના ખાબોચિયામાં જીવિત માછલીઓ દેખાઈ ભચાઉથી 4 કિલો મીટરના અંતરે આવેલા તરઘડી વિસ્તારમાં સોમવારે ખાબકેલા વરસાદ દરમિયાન આકાશમાંથી માછલીઓ પણ પડી હતી. ભાગ્યેજ બનતી આ ઘટનાએ કૌતુક ફેલાવ્યું હતું. ખેતરમાં કામ કરી રહેલા એક શ્રમિકને રણ કાગડાનું ટોળું તેમજ અન્ય પક્ષીઓ માછલી ખાતા નજરે ચડતાં આ ઘટના બહાર આવી હતી. તરઘડીની સીમમાં મનજીભાઈ પટેલના ખેતરમાં કામ કરતા રમેશ ખાટે જણાવ્યું હતું કે તે બપોરના ભાગે ખેતરમા કામ કરી રહ્યો હતો તે દરમિયાન સામે બાજુ રણ કાગડાનું ટોળું અને અન્ય પક્ષીઓ કઈક ખાઈ રહ્યા હતા તે જોવા જતા જમીન પર મરેલી માછલીઓ દેખાઇ હતી. આ ખેત કામદારે જે જગ્યાએ પાણી ભરાયેલા હતા ત્યાં જોતાં માછલીઓ પાણી ઓછું થવાના કારણે તરફડીને મરી રહી હતી અને તેને બચાવવા ડોલમાં એકઠી કરીને વાડીના પાણીના ટાકામાં નાખી હતી. માછલીના વરસાદનું કુદરતી કરતબ સંભવત: ગુજરાતમાં પ્રમથવાર થયું હોવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકો અહીં દોડી આવ્યા હતા. આ ઘટના કેવી રીતે બની તે અંગે પણ લોકો અનેક વાતો કરી રહ્યા છે. ખેતરમાં સેંકડો મૃત માછલીઓને દૂર કરવાની પણ ખેડૂતોએ કામગીરી હાથ ધરી હતી