ડો. બાબા સાહેબ આંબેડકરના નિવાસે તોડફોડ કરનારને પકડી પડાયો

મુંબઈ : સેન્ટ્રલ મુંબઈના માટુંગામાં ડો. બાબાસાહેબ આંબેડકરના નિવાસસ્થાન ‘રાજગૃહ’ ખાતે તોડફોડ કરનારા એક વ્યકિતની પોલીસે બુધવારે અટકાયત કરી હતી. મંગળવારે રાત્રે બનેલી આ ઘટનાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી ઉદ્ઘવ ઠાકરે સહિતના રાજકીય નેતાઓએ વખોડી કાઢી હતી. શ્રી ઠાકરેએ જણાવ્યું હતું કે આ મામલામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.આંબેડકરના પૌત્ર ભીમરાવ આંબેડકર દ્વારા માટુંગા પોલીસ-સ્ટેશનમાં દાખલ કરાયેલી ફરિયાદ અનુસાર સીસીટીવીમાં ઝડપાઈ ગયેલો અજાણ્યો આરોપી માનસિક રીતે અસ્થિર હોય એમ જણાય છે. ભીમરાવ આંબેડકરે સોમવારે સાંજે એક વ્યકિતને ઘરની નજીક જોયો હતો. જયારે તેમણે તેના આગમનનું કારણ પૂછયું તો તે માણસ જતાં પહેલાં રોષભરી નજરે તેમને તાકી રહ્યો. મંગળવારે રાતે તે શખ્સ ‘ રાજગૃહ’ના પરિસરમાં પ્રવેશ્યો અને ફૂલોનાં ફૂંડાં તોડી નાખ્યાં, ફ્લછોડ, સીસીટીવી કેમેરાને હાનિ પહોંચાડી ભાગતાં પહેલાં બારી પર પથ્થરો ફેંકયા. આ મામલે આઇપીસીની કલમ ૪૨૭ અને ૪૪૭ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ સીસીટીવી ફુટેજ તપાસી રહી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ એવી શંકા હતી કે આ કુત્ય પાછળ બે વ્યકિતની સંડોવણી છે, પણ હવે સપષ્ટ થયું છે કે એક જ આરોપી છે અનેે શકમંદને કસ્ટડીમાં લઈ લેવાયો છે. દાદરની હિન્દુ કોલોનીમાં આવેલા બે માળના આ હેરિટેજ બંગલોમાં મ્યુઝિયમ આવેલું છે જયાં ડો. આંબેડકરના વિશાળ પુરતક સંગ્રહ, તેમનાં અસ્થિફૂલ તથા તેમના જીવન સાથે સંકળાયેલી અન્ય ચીજવસ્તુઓને સાચવી રાખવામાં આવ્યાં છે. ડો. આંબેડકર બે દાયકા આ બંગલોમાં રહ્યા હતા. દરમિયાન દાદરમાં આવેલા ડોકટર બાબાસાહેબ આંબેડકરના નિવાસસ્થાન રાજગૃહને કાયમી ધોરણે પોલીસસુરક્ષા મળશે, એમ રાજયના ગૃહપ્રધાન શ્રી અનિલ દેશમુખે જણાવ્યું હતું. રાજય સરકારે ઘટનાની ગંભીર નોંધ લીધી છે. કેબિનેટ મીટિંગમાં આ મુદ્દા પર વિસ્તૃત ચર્યા કરાયા બાદ સરકારે રાજગૃહને કાયમી ધોરણે પોલીસસુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો.