ટંકારા બાજુ વિલામાં ચાલતી જુગાર ક્લબ ઉપર પોલિસની રેડ
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ધુનડા ગામની સીમમાં આવેલા ઓમ વિલામાં ધમધમતી જુગાર ક્લબ ઉપર બોર્ડર રેન્જે ભુજની ક્રાઇમ-2 પોલીસે સપાટો બોલાવી રોકડા રૂા. 24,31,800 સહિત કુલ રૂા. 44,76,800ના મુદ્દામાલ સાથે નવ ખેલીને ઝડપી લીધા હતા. સરહદી બોર્ડર રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાની સૂચનાના પગલે ક્રાઇમ-2ના પીઆઇ એલ.પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ મોરબી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ધુનડા સજનપર રોડ પર પહોંચતાં ખાનગી બાતમી મળી હતી કે, એક શખ્સ પોતાના અંગત ફાયદા સારું ઓમ વિલા બંગલા નં. એ-3માં જુગારનો અડ્ડો ચલાવે છે અને હાલ જુગાર રમાઇ રહ્યો છે. આ બાતમીના પગલે ટીમે દરોડો પાડતાં જુગાર રમતા નવને રોકડા રૂા. 24,31,800, નવ મોબાઇલ કિં.રૂા. 46,000, બે ફોર વ્હીલર ગાડી કિં.રૂા. 20 લાખ એમ કુલ રૂા. 44,76,800ના મુદ્દામાલ સાથે ઝડપી તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે જુગારધારા તળે ગુના નાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.