સણોસરામાં વાડીએ ફેંસિંગ બાંધવા મુદ્દે મારામારી: ચાર ગંભીર

કુવાડવા રોડ પર આવેલા સણોસરા ગામે વાડીએ ફેંસિંગ બાંધવા બાબતે શસ્ત્ર બઘડાટી બોલી હતી, જેમાં વૃદ્ધ,વૃધ્ધા સહિત ચારને ઇજા પહોંચી હતી.આ મામલે સામસામી ફરિયાદના આધારે પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં રામનાથપરામાં શેરી ન. 12 માં રહેતા અલ્તાફ આમદભાઈ ભુવર (ઉ.વ 38) દ્વારા કુવાડવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગફાર,કોંગ્રેસ આગેવાન રહીમ સોરા, રહીમ સોરાનો ભાઈ,રહીમની બહેન અને તેના પુત્રના નામ આપ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી ખેતીકામ કરે છે.તને સણોસરામાં રેવન્યુ સર્વે ન.361 માં જમીન આવેલી છે.આ જમીન બાબતે તેમને ગફારભાઈ સાથે ઝઘડો ચાલતો હોય ગઈકાલ બપોરના ગફાર તથા રહીમ સોરા વાડીએ ફેંસિંગ કામ કરતા હોઈ જેથી ફરિયાદીએ પૂછ્યું હતું કે, વાડીએ ફેંસિંગ શું કામ કરો છો જે સાંભળી આરોપીએ ઉશ્કેરાઈ વાડીમાં તે કે તારા સગાએ પગ મૂક્યો તો બધાના મર્ડર કરી નાખીશું તેમ કહી ધમકી આપી યુવાન પર ધારીયા વડે હુમલો કર્યો હતો.

બાદમાં યુવાનને બચાવવા તેના માતા અમીનાબેન(ઉ.વ 70),તથા તેના સસરા ગુલામભાઈ ડાઉદભાઈ ચાવડા (ઉ.વ 71)(રહે.ચોટીલા)ને પણ મારમાર્યો હતો.જેથી ત્રણેયને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે પાંચ શખ્સો સામે આઇપીસીની કલમ 323,324,506(2),114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સામાપક્ષે જંગલેશ્વરમાં શેરી ન. 31 માં રહેતા આદમભાઈ મામદભાઈ સોરાએ કુવાડવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને દેવપરા પાસે પાન- ગાઠીયાની દુકાન આવેલી છે.ગઈકાલ તે સણોસરા વાડીએ હતો.અને તેની સાથે ગફારભાઈ તથા રહીમભાઈ હતા અને વાડીએ ફેંસિંગનું કામ કરતા હતા દરમિયાન અલ્તાફ તથા તેના સસરા ગુલામભાઈ અને તેની માતા વાડીએ આવ્યા હતા.

અને અને ઝઘડો કરી અલતાફે ફરિયાદીને માથામાં ધોકો ફટકારી દીધો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે અલ્તાફ આમદભાઈ ભુવર સામે આઇપીસીની કલમ 323,506(2) તથા જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.