મોરબી રોડ પર ગાંધી વસાહતનાં ફળીયાનાં ભોં-ટાંકામાં પડી જવાથી પ્રૌઢનું મોત

શહેરના મોરબી રોડ પર ગાંધી વસાહતમાં રહેતા પ્રૌઢ ફળીયામાં ઢાંકણા વગરના ભોં ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું તેમજ અન્ય બનાવમાં રૈયા રોડ શિવપરામાં રહેતા એક વૃદ્ધ ઘરમાં આવેલા ભો-ટાંકા માં પડી જતા તેમને સારવારમાં ખસેડાયા છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,મોરબી રોડ પર ગાંધી વસાહતમાં રહેતાં પ્રેમજીભાઇ પાલાભાઇ પરમાર (ઉ.વ.50)નામના પ્રૌઢ પોતાના ઘરમાં આવેલા ફળીયામાં ભો ટાંકામાં પડી જતા પ્રેમજીભાઇને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં.પરંતુ તબીબે મૃત જાહેર કરતા સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરતા વધુ તપાસ આદરી હતી.મૃત્યુ પામનાર પ્રેમજીભાઇ બે બહેનના એકના એક ભાઇ હતાં.તેમને સંતાનમાં ત્રણ પુત્રો છે.પોતે એકલા રહેતા હતાં અને મજૂરીકામ કરી ઘર ચલાવતાં હતાં. પરિવારજનોના કહેવા મુજબ પ્રેમજીભાઇને નશો કરવાની આદત હોય નશાની હાલતમાં જ ફળીયામાં આવતાં અકસ્માતે પડી ગયા હશે.તેમજ સાંજના સમયે કોઈક માંગવા માટે આવતાં ડેલી ખુલી રહી હતી અને ફળીયાનો ભોં ટાંકો પણ ખુલો હોઇ જેથી તેમાં પ્રેમજીભાઇને પડેલા જોતાં તેણે આજુબાજુ ના લોકો ને જાણ કરી હતી.અને તેમના પુત્રોને જાણ કરવામાં આવી હતી. અન્ય બનાવમાં રૈયા રોડ શિવપરામાં રહેતા બસીરભાઈ મહમદભાઈ બ્લોચ(ઉ.વ.65)નામના વૃદ્ધ પોતાના ઘરે ભો ટાંકામાં પડી જતા તેઓને શરીરે ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.આ બનાવ અંગે ગાંધીગ્રામના પોલીસ સ્ટાફે કાર્યવાહી કરી હતી.