પાંચ વર્ષ પહેલાના જુના ઝઘડાનો મનદૂ:ખ રાખી કારખાનેદાર પર 3 ઇસમોનો હુમલો

ભક્તિનગર વિસ્તારમાં માસ્તર સોસાયટીમાં રહેતા કારખાને પર તેમના ભાઈ અને મિત્રો સાથે આનંદનગર મેઇન રોડ જ્ઞાનગંગા ચોક પાસે મિત્ર સાથે બેઠા હતા ત્યારે પાંચ વર્ષના જુના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ ધારીયા વડે હુમલો કર્યો હતો. આ અંગે ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી તજવીજ આદરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, માસ્તર સોસાયટીમાં રહેતા કારખાનેદાર વિશદભાઈ મનીષભાઈ મહેતા (ઉ.27) નામના યુવાને દેવપરા ઠાકરશી ચા પાસે રહેતા કિશન નાઝાભાઈ ડાભી (ભરવાડ) અને તેની સાથેના બે શખ્સો સામે ફરિયાદ કરતાં ભક્તિનગર પોલીસે આરોપી સામે કલમ 324, 323, 504, 506 (2), 114 હેઠળ ગુનો નોંધ્યો હતો.

વિશદભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોટાભાઈ કેવલભાઈ મહેતા, તુષારભાઈ પટેલ, પ્રમોદભાઈ ચૌહાણ અને સન્નીભાઈ જાની સહિતનાઓ આનંદનગર મેઇન રોડ પર જ્ઞાનગંગા ચોક પાસે બહાર બેઠા હતા ત્યારે કિશન નાજાભાઈ ડાભી (રહે. દેવપરા)વાળો તેની સાથે બે અજાણ્યા શખ્સો સાથે ત્રિપલ સવારી એક્સેસમાં આવ્યો હતો. આ કિશન ડાભી સાથે પાંચેક વર્ષ પહેલાં મારે બાઈક સામસામે આવી જતા બોલાચાલી થયેલ હતી તેમજ ઝઘડો થતાં ખાર રાખી આવીને વિશદભાઈને ધમકી આપી, ગાળો આપી હતી.

કિશને તેની બાઈકમાંથી ધારીયુ કાઢી અને મારવા જતાં હાથ આડો રાખતા હાથમાં ઇજા થઇ હતી.
તેમજ બીજા હાથથી વિશદભાઈ મહેતાને ઢીકા માર્યા હતા તેની સાથે આવેલા શખ્સો પાસે હોકી અને ધોકો હતો. આજુબાજુમાં બેસેલા મિત્રોએ દેકારો કરતાં બધા ભેગા થયા હતાં. જેથી વિશદભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.આ ઘટના અંગે ભક્તિનગર પોલીસે બનાવ અંગેની સીસીટીવી ફુટેજ મેળવવા તજવીજ આદરી છે.