ગાયોની દોહાઇ માટે ઘરેથી નીકળેલા ડુમરા ગામના ઈસમનો મળ્યો મૃતદેહ

ભુજ: ગાયોની દોહાઇ કરવા માટે ઘરેથી નીકળેલા અબડાસાના ડુમરા ગામના 40 વર્ષીય હંસરાજ બચુભાઇ મહેશ્વરીનો મૃતદેહ ડુમરા-લઠેડી માર્ગ ઉપર સ્મશાન નજીકના વોકળાના ખાડામાંથી મળી આવતાં પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બહાર આવેલી માહિત મુજબ બે દિવસ પહેલાં મંગળવારે સાંજે હતભાગી હંસરાજ મહેશ્વરી તેના ઘરેથી ગાયોની દોહાઇ માટે નીકળ્યો હતો. આ પછી તે પરત ફર્યો ન હતો. દરમ્યાન શોધખોળ વચ્ચે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સાધનોએ આપેલી જાણકારી મુજબ બનાવની જાણ થતાં પોલીસે સ્થાનિકે ધસી જઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય કાર્યવાહી માટે દવાખાને મોકલી આપ્યો હતો. મરનારનું મૃત્યુ કયા કારણે થયું તે તબીબી અભિપ્રાય બાદ સ્પષ્ટ થશે. હાલતુરત અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે.’ ગામની ભાગોળે લઠેડી માર્ગ ઉપર સ્મશાન પાસે વોકળાના ખાડા સુધી આ હતભાગી કઇ રીતે પહોંચ્યો તેના સહિતની કડીઓ પોલીસ મેળવવા માટે પ્રવૃત્ત બની છે. સબ ઇન્સ્પેકટર શ્રી જાડેજાએ કાર્યવાહી હાથ ધરી છે.’