અંજારના ટપ્પરમાં પુત્રએ પિતાને લાકડીથી માર માર્યો

ગાંધીધામ, અંજાર તાલુકાના ટપ્પર ગામમાં કામ-ધંધો કરવાનું કહેતાં એક દીકરાએ પોતાના પિતા ઉપર લાકડીથી હુમલો કર્યો હતો. ટપ્પર ગામના મોમાયનગરમાં રહેતા અરજણ સુમાર કોળી નામના આધેડ પોતાના ઘરે બેઠા હતા. આ આધેડ ઘરના આંગણાના દરવાજા પાસે બેઠા હતા ત્યારે તેમનો પુત્ર  ભરત ઘરે આવ્યો હતો. દરમ્યાન, આ ફરિયાદી આધેડે પોતાના પુત્ર ભરતને કામ-ધંધો કરવાનું કહેતાં આ ઈસમ ઉશ્કેરાઇ ગયો હતો અને આંગણામાંથી લાકડી ઉપાડી પોતાના પિતાને માર માર્યો હતો. ઘવાયેલા આધેડને અસ્થિભંગ સહિતની ઇજાઓ થતાં તેમને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.