લોકડાઉન પછી બાળકો ભુખ્યા રહેતા માતાની આત્મહત્યા

રાજકોટ: લોકડાઉન બાદ ધંધામાં કાંઇ ન વળતાં અનેક વેપારી અને નાના-નાના ધંધાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. તેમજ નાના પરિવારો પણ આર્થિક ભીંસમાં મુકાયા છે. તેમજ કંટાળીને પગલુ ભરી રહ્યા છે. બે દિવસ પહેલા રાજકોટનાં એક વેપારીએ આર્થિક ભીંસથી કંટાળીને પગલુ ભરી લીધુ હતું. ત્યારે કોડીનારનાં એક પરિણીતાએ ચારેક દિવસ પહેલા આર્થિક ભીંસને કારણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કોડીનારમાં રહેતા વર્ષાબેન રાહુલભાઇ સોલંકી (દેવીપુજક) (ઉ.વ.24) નામના પરિણીતાએ આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સારવાર દરમિયાન વર્ષાબેને રાત્રીના દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. વર્ષાબેનનાં પરિવારે જણાવ્યું હતું કે લોકડાઉનમાં ઘરમાં હતા તે પૈસા વપરાય ગયા અને અનલોકમાં કાંઇ કામ ધંધો મળતો નહોતો. કોઇક દિવસ તો જમ્યા વગર પણ દિવસો પસાર થતા હતા. આમને આમ દિવસો પસાર થતાં અને કામ ધંધો ન મળતાં વર્ષાબેન તેમના બાળકોને જમાડી નહોતા શકતા અને ઘરમાં અનાજ પણ નહોતાં ચિંતામાં ને ચિંતામાં વર્ષાબેને ચારેક દિવસ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. વર્ષાબેનને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. આ અંગે હોસ્પિટલ ચોકીનાં સ્ટાફે કાગળો કરી કોડીનાર પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.