સાયલા જમીનનું કામ પતાવી પરત ફરતા ભૂતવડના પ્રૌઢનું રાજકોટ નજીક અકસ્માતમાં મોત નીપજયું

અમદાવાદ- રાજકોટ હાઇવે પર રોડ પરનો ખાડો તરરવવા જતા કાર પલટી ડિવાઈડર સાથે અથડાઈ ત્રણ પલટી ખાઈ ગઈ હતી.જેમાં ગંભીર ઇજા પહોંચતા ધોરાજીના ભૂતવડના પ્રૌઢનું મોત થયું હતું.તેમજ કારમાં સવાર અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.પોલીસે અકસ્માત બાદ નાસી ગયેલા કારચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધોરાજીના ભૂતવડ ગામે રહેતા જગજીવન નાથાભાઇ માલકીયા નામના કોળી પ્રૌઢ ઇન્ડિકા કાર ન. જીજે 1 કે.એસ. 8676 માં બેસી સાયલાથી ઘર તરફ જતા હતા ત્યારે રાજકોટ અમદાવાદ હાઇવે પર આર્યન વેર હાઉસ સામે કાર પલટી ડિવાઈડર પર ચડી ત્રણ વખત પલટી ખાઈ ગઈ હતી.જેમાં ગંભીર રીતે ઘવાતા કોળી પ્રૌઢનું મોત થયું હતું. આ મામલે કુવાડવા પોલીસ મથકમાં મૃતકના પુત્ર ભાવેશ (ઉ.વ.28)ની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, જગજીવનભાઈ ગુરૂવારે સવારે તેના મૂળ ગામ સાયલા કેરાળા (મોટા) જમીનના વારસાઈ કામ સંબંધી પાસે ગયા હતા. ત્યાંથી કામ પતાવીને પરત સાંજે રવાના થયા હતા. દરમિયાન ચોટીલા થી તેને કારમાં બેસીને તેના પુત્ર ભાવેશ ને કોલ કરીને પોતે નીકળ્યા હોવાનું અને ભુતવડ ના પાટીયે આવી જશે અને તમને તેડવા આવવા કહ્યું હતું. બાદમાં કુવાડવા જીઆઈડીસી પાસે ખાડા બચાવવા જતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર ટપી સામેના રોડ પર ત્રણેક પલટી મારી ગઈ હતી. જેમાં સવાર જગજીવનભાઈ રોડ પર ગાડીમાંથી બહાર ફેંકાઈ જતાં ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.તેમજ શાપર પંથકના બે લોકોને ઈજા થઈ હતી. અકસ્માતમાં મોતને ભેટનાર કોળી પ્રૌઢને સંતાનમાં પુત્ર ભાવેશ તથા પુત્રી સંગીતા છે.તેમના પત્નીનું નામ સવિતાબેન છે.બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદ પરથી પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.બનાવની વધુ તપાસ પી.એસ.આઈ આર.પી.મેઘવાળ ચલાવી રહ્યા છે.