સાબરકાંઠામાં સપ્તાહમાં ખનિજ ચોરી બાબતે દોઢ કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં ખાણ ખનિજ વિભાગે છેલ્લા એક સપ્તાહ દરમિયાન તપાસ આદરી ખનિજ ચોરી કરતા વાહનોને ઝડપી લઇ રૂા.૧.૫૦ કરોડનો મુદા્માલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા વાહન માલિકો વિરૂધ્ધ વિભાગે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનિજ વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી જે.એમ.પટેલ ગત તા.૩૦ જૂનના રોજ નિવૃત થયા બાદ સાબરકાંઠા જિલ્લાનો ચાર્જ બનાસકાંઠા જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીને સોંપાયો છે. સાબરકાંઠાના ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ખાણ ખનિજ વિભાગની ટીમે છેલ્લા એક સપ્તાહ દરમિયાન હિંમતનગર અને ખેડબ્રહ્મા વિસ્તારમાં ચેકીંગ ઝૂંબેશ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ હિંમતનગરના બાયપાસ અને દેરોલ રોડ પર ખાણ ખનિજ વિભાગના ચેકીંગ દરમિયાન રેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા ત્રણ ડમ્પર, બે માટી ખનિજનું વહન કરતા ડમ્પર, વડાલી ખાતેથી રેતી ખનિજનું એક ટ્રેકટર તેમજ ખેડબ્રહ્માના ખેરોજ ખાતે સાદી માટીનું બિનઅધિકૃત રીતે ખોદકામ અને વહન કરતા એક જેસીબી મશીન તથા ચાર ટ્રેકટરો ખનિજ ચોરીમાં પકડયા હતા. આમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ખાણ ખનિજ વિભાગની ટીમે સપ્તાહની ચેકીંગ ઝૂંબેશ દરમિયાન કુલ ૧૧ વાહનો બિનઅધિકૃત રીતે ખનિજ ચોરી કરતા જપ્ત કરી વાહન માલિકો વિરૂધ્ધ રૂા.૧૧ લાખની દંડનીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્ચાર્જ ભુસ્તરશાસ્ત્રીના ખનિજ ચોરીના આ સપાટાથી જિલ્લામાં ખનિજ ચોરી કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે ખનિજ ચોરી કરનારા ખનિજ માફીયાઓ ખાણ ખનિજ વિભાગના અધિકારી સહિત સ્ટાફની રેકી કરતા હોવાનું ધ્યાને આવતા આગામી સમયમાં આવા ખનિજ માફીયાઓ વિરૂધ્ધ પણ ફોજદારી કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યુ હતું.