કીમ ગામે રહેતો દંપતી ઘર બંધ કરી મહારાષ્ટ્ર વતનમાં પહોંચ્યો તો તસ્કરો ઘરમાંથી ચોરી કરી ગયા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કીમ ગામે રહેતું દંપતી ઘર બંધ કરી વતન મહારાષ્ટ્ર ખાતે ગયું હતું. જે દરમ્યાન આ બંધ ઘરને કોઈ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અને ઘરમાં કબાટમાં મુકેલ લેપટોપ, રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ 23,500ના મત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ભાગી છૂટ્યા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કીમ ગામે સાઈલીલા રેસીડન્સી ફ્લેટ નંબર-બી-204માં રહેતા જયેશભાઈ એકનાથભાઈ પાટીલ (34) નાઓ એલ એન્ડ ટી કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરે છે. જેઓ હાલ સુરત શહેર ખાતે રહેતા હોય તેઓ ગત તા-28 ફેબ્રુઆરીના રોજ સવારે તેઓ ફ્લેટને લોક કરી પત્ની સ્વાતિબેન સાથે મહારાષ્ટ્રના સાહદા તાલુકાનાં પીંગાણે વતનમાં ગયા હતા. અને જ્યાંથી જયેશભાઈ ગત તા-3 માર્ચના રોજ પરત કીમ ખાતે સાઈલીલા રેસીડન્સીમાં ફ્લેટ ઉપર આવ્યા હતા. તે દરમ્યાન ફ્લેટના દરવાજાનો નકૂચો તૂટેલો હતો અને ઘરનો સામાન વેર વિખેર પડેલ હતો જેથી તેમને ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં તેમણે ઘરમાં તપાસ કરતાં અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશ કરી ઘરમાં આવેલ કબાટમાંથી લેપટોપ, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ, 23,500ના મત્તાની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે જયેશભાઈએ કીમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.