નવાગામમાં યુવકને 2 ઇસમોએ ઢીકાપાટુનો માર મારી છરીના ઘા ઝીંકી દીધા

નવાગામમાં જમીનના પૈસા બાબતનો ખાર રાખી યુવાન પર બે શખ્સોએ હૂમલો કરી તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ નવાગામ મફતીયાપરા રામાપીરના મંદિર પાસે રહેતા રાકેશ ઉર્ફે બાલો કરશનભાઇ નકુમ (ઉ.વ.25) દ્વારા કુવાડવા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે બપોરના સાડા ત્રણેક વાગ્યે નવાગામ રંગીલાપરા તળાવની પાળ પાસે વિક્રમભાઇ પરમારે સરકારી ખરાબાની જમીન આશરે બે મહિના પહેલા લીધેલી હતી અને તેમાં મે ઝુપડુ બનાવેલુ હતુ અને આ જગ્યા મે આશરે દસ હજારમાં લીધેલ હતી અને સાડા ચાર હજાર આપેલ હતા અને આજરોજ મારૂ ઝુપડુ વરસાદના લીધે કોઇ નુકશાન થયેલ નથી તે જોવા માટે ગયેલો ત્યારે ત્યાં વિક્રમ પરમાર તથા તેનો ભાઇ કિશન પરમાર બંને જણા મારી પાસે આવેલ અને બાકી નીકળતા પૈસાની માંગણી કરેલ હોય જેથી મે કહેલ કે હમણા મારી પાસે પૈસા નથી જમીનના કાગળો આપ ત્યારે હું તને બાકી નીકળતા પૈસા આપી દઇશ તેમ કહેતા આ બંને ભાઇ ઉશ્કેરાઇ ગયેલ અને જેમ ફાવે તેમ બોલવા લાગેલા અને કિશન પરમારે મને બે-ત્રણ ઝાપટ મારેલ અને વિક્રમ પરમારે મને તેના નેફામાંથી છરી કાઢી મને માથાના ભાગે મારેલ અને એક છરીનો છરકો છાતીના ભાગે કરેલ. દરમ્યાન રાડારાડી થતા ત્યાં આજુબાજુના માણસો ભેગા થઇ ગયેલ અને નજીકમાં રહેતા મારો મિત્ર હસમુખ સોલંકી તથા મારા મમ્મી રેખાબેન આવી ગયેલ અને મને વધુ માર મારતા બચાવેલ હતો અને મને મારા કાકાનો દિકરો નાગરાજ જગદીશભાઇ નકુમ છોટા હાથીમાં લઇ સરકારી હોસ્ટિલમાં લઇ ગયા હતા. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 323, 329, 504, 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.