100 વખત લોકોને રક્તદાન કરી જીવતદાન આપનાર યુવકનું મૃત્યુ

થરાદમાં શ્રીમાળી બ્રાહ્મણ સમાજના બે આશાસ્પદ યુવકોનાં બે દિવસમાં અચાનક અવસાન થતાં સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. જેમાં કોઇપણ સમાજના માણસને જરૂર હોય અડધી રાતે પણ લોહીની વ્યવસ્થા કરવા ઉપરાંત પોતાના શરીરમાંથી ૧૦૦ વખત રક્તદાન કરીને અનેકોની જિંદગી બચાવનાર યુવકના મોતના સમાચારથી સમગ્ર શહેર અને પંથક ખળભળી ઉઠ્યો હતો.બનાસકાંઠાના થરાદ શહેરમાં વસતા ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના યુવક અને પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રિવેદી કિશોરભાઇ ભીખાલાલનું રવિવારે ટૂંકી માંદગી બાદ આક્સ્મિક અવસાન થયું હતું. જેમના અંતિમ સંસ્કારની રાખ પણ ઠંડી પડી ન હતી ત્યાં યોગેશભાઇ મહેન્દ્રભાઇ ત્રિવેદીના અવસાનના સોમવારે સવારે સમાચાર પ્રસરતાં પંથક ગમગીનીમાં ડુબી ગયો હતો. જે પૈકી યોગેશભાઇ ત્રિવેદી પોતાનું જીવન સમાજને સર્મપિત કરીને વ્યતિત કરી રહ્યા હતા. માનવસેવા સંગઠનની શરૂઆત સાથે જ જોડાનાર યોગેશભાઇએ શિયાળો, ઉનાળો કે ચોમાસાને જોયા વગર અડધી રાતે પણ કોઇ પણ વ્યક્તિને લોહીની જરૂર હોય તો નાત, જાત કે ધર્મ જોયા વગર દોડી જઇને લોહીની વ્યવસ્થા કરાવી આપીને અનેક જરૂરીયાતમંદોને નવજીવન બક્ષ્યું હતું. થરાદ તાલુકામાં સૌથી વધુ ૧૦૦ વખત રક્તદાનનો કિર્તીમાન પોતાના નામે કર્યો હતો. વિશેષમાં કોઇપણ સેવાકાર્યમાં તેઓ મોખરે હતા.