અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળાં ડિબાંગ વાદળો ઘેરાય છે, પરંતુ વરસાદ સતત હાથતાળી આપી રહ્યો છે. આખા દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારાના કારણે શહેરીજનો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. બંગાળની ખાડી અને ઓડિશામાં એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે. 16 જુલાઇ સુધી ગુજરાત પહોંચીને લો-પ્રેશરમાં પરિવર્તિત થવાની સાથે મોન્સુન ટ્રફ જમીન તરફ આવશે. જેથી આગામી 16થી 18 જુલાઇ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં દોઢથી પાંચ ઇંચ જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકવાની આગાહી છે.