મોરબીમાં ફિશ કેજ કલ્ચર યોજના બની માછીમારોના રોજગારનો નવો આધાર
મોરબી જિલ્લાના માછીમારો માટે રાજ્ય સરકારની ફિશ કેજ કલ્ચર યોજના રોજગાર અને આવકનું નવું માધ્યમ બની રહી છે. એક હજાર હેક્ટરથી વધુ વિસ્તાર ધરાવતા જળાશયોમાં કેજ પદ્ધતિથી મત્સ્યપાલન કરી માછીમારો પોતાની આવકમાં વધારો કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મોરબી જિલ્લામાં આઈ-ખેડૂત પોર્ટલ મારફતે ફિશ કેજ કલ્ચર યોજના હેઠળ લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. મચ્છુ-2 ડેમમાંથી 10 અને બ્રાહ્મણી-1 ડેમમાંથી 10 અરજીઓ મળી હતી. મળેલી અરજીઓની ચકાસણી બાદ બ્રાહ્મણી-1 ડેમના 10 અને મચ્છુ-2 ડેમના 5 સહિત કુલ 15 લાભાર્થીઓની અરજીઓને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
મોરબી મત્સ્ય વિભાગ દ્વારા લાભાર્થીઓને કેજ ઇન્સ્ટોલેશન સહિતની કામગીરીમાં માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. એક લાભાર્થીને વધુમાં વધુ 1800 ક્યુબિક મીટર વિસ્તારમાં કેજ બનાવવાની જોગવાઈ છે. આ કેજમાં મુખ્યત્વે ફંગેશિયસ જાતિની માછલીનું ઉત્પાદન કરવામાં આવે છે. બે કેજમાંથી એક વર્ષમાં અંદાજે 15થી 20 ટન માછલીનું ઉત્પાદન થઈ શકે છે. જેના કારણે માછીમારોને સારી આવક મળવાની સાથે રોજગારીનું પણ સર્જન થઈ રહ્યું છે.
ફિશ કેજ કલ્ચર યોજના હેઠળ લાભાર્થીને નિયમ મુજબ 40 ટકા અને 60 ટકા સુધીની સહાય મળવાપાત્ર છે. એક લાભાર્થીને વધુમાં વધુ 32.40 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર હોવાનું મત્સ્ય વિભાગ દ્વારા જણાવાયું છે. ગત વર્ષે પણ મચ્છુ-2 ડેમમાં 14 લાભાર્થીઓને ફિશ કેજ કલ્ચર યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા અંદાજે 4 કરોડ 84 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી.
માછીમારોને માત્ર ફિશ કેજ કલ્ચર જ નહીં પરંતુ આઈ-ખેડૂત પોર્ટલ મારફતે દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ, ભાંભરાપાણી મત્સ્ય ઉદ્યોગ અને આંતરદેશી મત્સ્ય ઉદ્યોગ સહિતની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. સરકારની આ યોજનાઓના કારણે પરંપરાગત માછીમારી સાથે જોડાયેલા લોકો માટે આધુનિક મત્સ્યપાલન તરફ આગળ વધવાની તક ઊભી થઈ છે અને માછીમારોની આવક વધારવા સાથે રોજગારને પણ વેગ મળી રહ્યો છે.