પાટણ જિલ્લામાં વધુ 19 કોરોના પોઝિટિવ કેસ આવ્યા બહાર : 1 વૃદ્ધનું મૃત્યુ

પાટણ જિલ્લામાં ગુરુવારે વધુ 19 જેટલા કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવવાની સાથે શહેરના પખાલીવાડા વિસ્તારના કોરોના સંક્રમિત 72 વર્ષિય વૃદ્ધનું અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જિલ્લામાં કુલ કોરોના દર્દીનો આંકડો 376 થયો છે તો મૃત્યુનો આંકડો 33 થયો છે.ગુરુવારે પાટણ શહેરના વૃંદાવન સોસાયટી, ગુણવંતા હનુમાન મંદિર પાસે, પાવઠી પોળ, પંચોલી પાડો,મીરા દરવાજા, વ્રજધામ સોસાયટી, ખોખરવાડો શિતળા માતાજી પોળ, ગણપતિની પોળ, શ્રી કુંજ સોસાયટી અને નરનારાયણ સોસાયટી મળીને 11 કેસ, સાંતલપુરના બામરોલી ગામે 1 કેસ, સિધ્ધપુર શહેરમાં અંબાલાલની ચાલી, શ્યામજી મંદિર પથ્થર પોળ અને ઘોળી પોળ મંડી બજાર મળી કુલ 3 કેસ, રાધનપુરનાં સિનાડ ગામે 1 કેસ, સરસ્વતીનાં ભાટસણ અને ખલીપુર ગામ મળી કુલ 2 કેસ અને ચાણસ્માનાં કેસણી ગામે 1 કેસ મળી જિલ્લામાં કુલ 19 કોરોના પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા હતા. તો શહેરના પખાલીવાડાના વૃધ્ધનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મોત નિપજ્યું હતું. કોરોના સંક્રમણને લઇ અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાંથી 5854 અને અન્ય જિલ્લામાંથી 298 મળીને કુલ 7052 લોકોનાં સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યાં છે. જેમાંથી 6152 લોકોનાં કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. તો 376 લોકોનાં સેમ્પલ ટેસ્ટ પેન્ડીગ છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 54 છે. તો હોમ આઈસોલેશનમાં 36 લોકોને રાખવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દી પૈકી 235 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ બન્યા છે. જ્યારે 33 કોરોના પોઝિટિવ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નિપજયાં છે. અત્યાર સુધીમાં પાટણ શહેરમાં 185 અને ગ્રામ્ય વિસ્તારમાં 26 કેસ મળી કુલ 211 કેસો, સિધ્ધપુર શહેરમાં 26 અને ગ્રામ્ય વિસ્તારમાં 28 કેસ મળી કુલ 54 કેસો, સરસ્વતી ગ્રામ્ય 30, ચાણસ્મા શહેરમાં 4 અને ગ્રામ્ય વિસ્તારમાં 12 કેસ મળી કુલ 16 કેસો, હારિજ શહેરમાં 5 અને ગ્રામ્ય વિસ્તારમાં 4 કેસ મળી કુલ 9 કેસો,સમીમાં 7 કેસ, રાધનપુર શહેરમાં 19 અને ગ્રામ્ય વિસ્તારમાં 4 કેસ મળી કુલ 23 કેસો, શંખેશ્વરમાં 8 કેસ અને સાંતલપુરમાં 18 કેસો મળી અત્યાર સુધીમાં જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 135 અને શહેરી વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 241 સાથે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 376 પર પહોંચી છે.