સિંધોડીના મૃત્યુ પામેલા ખેડૂતની જમીન ખોટા આધારો ઊભા કરીને વેચાઈ ગઈ

અબડાસાના મોટી સિંધોડી ગામના ખેડૂત વાલજી પચાણ ગઢવીના ખોટા અંગુઠા કરી તેના આધારે પાવરનામું ઊભું કરી તેમની જમીનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ બનાવી લેવાયો હોવાની ફોજદારી ફરિયાદ દાખલ કરાવાઇ છે. આ બાબતે સ્વ. વાલજીભાઇના પુત્રી હાલે આદિપુર ખાતે રહેતાં દેવલબેન ગઢવીએ જખૌ મરિન પોલીસ મથકમાં ગઇકાલે વિવિધ કલમો તળે આ ફોજદારી દાખલ કરાવી હતી. જેમાં આરોપી તરીકે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના રાવકી ગામના પોપટ કીકાભાઇ વેકરીયા તથા સર્જન રિયાલિટી લીમીટેડ રજિસ્ટર્ડ ઓફિસર રાજકોટની અધિકૃત પાવર ઓફ એટર્ની ધરાવનારા નીતેશ વસંતભાઇ હિરપરાને બતાવાયા છે. ફરિયાદમાં લખાવાયેલી વિગતો અનુસાર ખેડુ વાલજીભાઇ ગઢવીનું ઓગસ્ટ-2004માં આદિપુર ખાતે અવસાન થયું છે. આ ખેડૂત સહી કરતા હતા, આમ છતાં તેમના ખોટા અંગુઠા લગાડી તેમની મોટી સિંધોડી ગામે વિવિધ સર્વે નંબરમાં આવેલી જમીનનું આરોપી પોપટ વેકરીયાએ ખોટું પાવરનામું બનાવ્યું હતું. આ જાલી પાવરનામાને ખરા તરીકે બતાવી આરોપી પોપટ વેકરીયાએ જમીન સહઆરોપી નીતેશ હિરપરાને રજિસ્ટર્ડ દસ્તાવેજથી વેચી હતી.”