રાપર તાલુકાના ડાવરી ગામની સીમમાં આવેલી જમીન પચાવી પાડવાના બનાવમાં બે આરોપીઓના આગોતરા જામીન કોર્ટે ફગાવી દીધા હતા.ડાવરીની સીમમાં માના ખીમા મૂછડિયાના નામે જમીન આવેલી છે. ગત તા. 18/8/1994ના તેમનું મોત થયું હતું, તેમ છતાં આ બનાવના આરોપી એવા જીવા ખીમા આયર, જગજીવન ડી. ઠક્કર, ધના વસ્તા, કમલેશ ગોપાલ લુહારે મળીને આ મૃત વ્યકિતને જીવિત બતાવી દસ્તાવેજમાં અંગૂઠો કરી જીવા ખીમા આયરના નામે જમીન તબદીલ કરાવી લીધી હતી. વર્ષ 2005માં બનેલા આ બનાવ અંગે બાલાસર પોલીસ મથકે હાલમાં ફરિયાદ નોંધાઇ હતી, જેમાં’ પ્રથમ જગજીવન ઠક્કરે ભચાઉની અધિક સેશન્સ કોર્ટમાં આગોતરા માટે અરજી કરી હતી. તેની સુનાવણી બાદ આ અરજી ફગાવી દેવામાં આવી હતી. બાદમા મુખ્ય આરોપી એવા જીવા ખીમા આયરે આગોતરા માટે અરજી કરી હતી. જેમાં સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે, આ બનાવમાં તપાસ કામે દસ્તાવેજ જપ્ત કરવાના બાકી છે. દસ્તાવેજ ઉપર ખોટી ઓળખ આપી અંગૂઠો કોણે કર્યો તે આ મુખ્ય આરોપી જ કહી શકે તેમ છે. વગેરે દલીલોના અંતે ન્યાયાધીશે આરોપીના આગોતરા ફગાવી દઇ જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ ડી.બી. જોગી હાજર રહ્યા હતા.’