ભુજમાં શાળાના તાળાં તોડી સી.સી. ટી.વી. કેમેરા અને ડી.વી.આર. ચોરી કરી ગ્યાં

શહેરની ભાગોળે માધાપર હાઇવેને અડીને આવેલા દીનદયાળ નગર સ્થિત હિતેન ધોળકિયા વિદ્યાલયના વિવિધ કક્ષના તાળા તોડી કોઇ હરામખોરો એક સી.સી. ટી.વી. કેમેરા અને ડી.વી.આર. સહિત રૂા. 15 હજારની કિંમતના ઉપકરણ ચોરી ગયા હતા. ધરતીકંપ બાદ જેનું ઉદઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ્લ કલામ દ્વારા કરાયું હતુંતેવી આ શાળાના એક શિક્ષક દીપકભાઇ રાઠોડનો કોરોના અહેવાલ પોઝિટિવ આવતાં ગત તા. સાતમીના આ શાળાને તાળા મારીને શાળાના શિક્ષકો હોમ કવોરન્ટાઇન થયા હતા. દરમ્યાન તંત્રની સૂચના મુજબ શાળાને સેનિટાઇઝ કરવાની હોવાથી આજે સવારે આચાર્ય તુષાર જેન્તીભાઇ જોશી (રે.માધાપર) અને અન્યો શાળાએ પહોંચતા ચોરીનો આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. આચાર્ય શ્રી જોશીએ લખાવેલી ફરિયાદ મુજબ ગત તા. સાતમીના બપોરે બાર વાગ્યાથી આજે સવાર સુધીમાં શાળાના દરવાજા અને કચેરી વગેરેના તાળાં તોડાયા હતા. આ કૃત્ય કરનારા શાળામાં લગાડાયેલો એક સી.સી. ટી.વી. કેમેરા અને ડી.વી.આર. તેઓ ઉઠાવી ગયા હતા. તસ્કરોએ તાળાં તોડી ફેંકી દેવા સાથે શાળા સંકુલમાં વિવિધ સામગ્રી વેરવિખેર કરી નાખી આ હાથ માર્યો હતો. બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.”