ગઈકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પોતાના રસાલા સાથે બાય રોડ નીકળી રહ્યા હતા તે દરમિયાન મહોબતપૂર ગામના બે યુવાનો દારૂના નશામાં છાકટા બની પોતાની કાર રોડ ઉપર આડી ઊભી રાખી અવરોધો ઊભા કરવાના પ્રયત્નો કરતા પોલીસ પહોંચી ગઈ હતી, પરંતુ આ શખ્સોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી, બાદમાં વધુ પોલીસ કાફલો આવી જતા બળપ્રયોગ કરીને બંને શખ્સોને પકડી વાહનમાં બેસાડ્યા હતા ત્યારે અન્ય શખ્સો આવી જતા, આ લોકોને છોડાવી નાસી જતા આ ઘટના ચર્ચાનો વિષય બની હતી, બીજી બાજુ પોલીસ માટે ગંભીર અને શરમજનક આ બાબત અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે. વંથલીના મહોબતપુર ગામના ભૌતિક તેજાભાઈ બગડા જયેશ રાજાભાઈ બગડા દારૂ પીધેલ હાલતમાં છાકટા બની સુખપુર ચોકડીએ રાજયના ભાજપ પ્રદેશ અધ્યક્ષનો કાફલો નિકળવાનો હોઈ તે જગ્યાએ આઈ ટવેન્ટી કાર નં. જીજે ૧૧ બીઆર ૨૩૮૯ નંબરની કાર રોડ ઉપર આડી રાખી રોડ બ્લોક કરી ટ્રાફીક જામ કરી ઉશ્કેરાઈ જઈ બિભત્સ ગાળો બોલતા હતા. ત્યારે પોલીસે શાંતિ થી સમજાવવા છતાં ન સમજનાર બંને યુવક ને જરૂરી બળપ્રયોગ કરી રસ્તામાં હટાવવા જતા પોલીસ સ્ટાફ સાથે બંને યુવકો એ ઝપાઝપી કરી હતી, જયેશ રાજાભાઈ બગડા એ પથ્થર હાથમાં લઈ હુમલો કરવાની કોશીશ કરી હતી. દરમિયાન અન્ય સટાફ આવી જતા, પોલીસે જરૂરી બળપ્રયોગ કરી બન્નેને પકડી ગાડીમાં બેસાડતા હતા દરમ્યાન રાજાભાઈ બગદા તથા અન્ય બે શખ્સો આવી ગયા હતા અને બન્ને શખ્સોને સરકારી વાહનમાંથી ઉતારી, ભગાડી નાસી ગયા હતા. આ અંગે વંથલી પોલીસમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ શેખવા દ્વારા ભૌતિક તેજાભાઈ બગડા સહિતના શખ્સો સામે પોલીસ ઉપર હુમલો કરવો અને પોલીસની ફરજમાં રૂકાવટ કરવા સહિતના ગુના સબબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ વંથલી પીએસઆઇ એમ કે ઓડેદરા ચલાવી રહ્યા છે.