નાગપુર પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના નાગપુરના કોરાડી વિસ્તારમાં આવેલા ઓમનગરની છે. જ્યાં એક જ ઘરમાં ડૉ. સુષમા રાણે, પતિ ધીરજ જે એન્જિનીયરિંગ કોલેજમાં પ્રોફેસર છે. તેના બે બાળકો જેમાં એકની ઉંમર 11 અને બીજાની 5 વર્ષની છે. આ સમગ્ર પરિવારના મૃતદેહ મળી આવ્યા હતા. કોરાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, પતિ ધીરજ અને બે બાળકો બેડરૂમમાંથી મળ્યા હતા. ત્યારે તબીબ મહિલાનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મહિલા તબીબ એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. જ્યારે ધીરજના માતા-પિતા ગુજરી ગયા છે. એમના ફોઈ પ્રમિલાએ એમને દત્તક લીધા હતા. તેથી તે પોતાના ફોઈ સાથે રહેતા હતા. ગત મંગળવારે એમના ઘરમાંથી કોઈનો અવાજ આવ્યો નહીં. 11થી 12 વાગ્યાની વચ્ચે ઘરમાં જાણે કોઈ હોય જ નહીં એવું વાતાવરણ જોવા મળ્યું હતું. બાળકોનો પણ કોઈ અવાજ કાને પડતો ન હતો. એવામાં ફોઈએ રૂમનો દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ ન મળ્યો. પછી પાડોશી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે ઘટના સ્થળે પહોંચીને દરવાજો તોડ્યો ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. પાડોશીએ જણાવ્યું હતું કે, ધીરજ અને સુષમા વચ્ચે છેલ્લા સાતથી આઠ વર્ષથી અણબનાવ હતો. ધીરજને દારૂ પીવાની ટેવ વિશે પણ વાત થઈ રહી હતી.સુષમા એનાથી પરેશાન હતી. તેથી વિવાદ વકરતો જતો હતો. ઘટના સ્થળેથી એક પત્ર મળ્યો છે જેમાં ATMનો પાસવર્ડ લખ્યો છે. રૂ.25,500 કોઈ વ્યક્તિને આપી દેવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત તેણે ઘર અને કાર માટે પણ લોન પાસ કરાવી હતી. લોકડાઉનને કારણે ધીરજની સેલેરી આવવાનું બંધ થઈ ગયું હતું. તેથી આર્થિક બાબતને લઈને તેઓ પરેશાન હતા. એક એવી આશંકા સેવાય રહી છે કે, સુષમાએ પતિ તેમજ બાળકોને ઊંઘની ગોળી કે ઝેર આપી દીધુ હશે. ત્રણેય બેભાન થયા બાદ ઝેરનું ઈન્જેક્શન આપી દીધું હશે.