છેલ્લા એકાદ વર્ષ દરમ્યાન માંડવી, ગાંધીધામ તથા ભુજ શહેરમાંથી છ જેટલી સ્પ્લેન્ડર મોટરસાઇકલ ચોરનારા મોટા અને નાના ભાડિયાના બે આરોપીને વાહનો સાથે માંડવી પોલીસે ઝડપી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઝડપાયેલા લખુ સામે અગાઉ પણ ચીલઝડપ અને ચોરીઓના પાંચ જેટલા ગુના નોંધાયેલા છે. બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક જે. આર. મોથાલિયા તથા પ. કચ્છ પોલીસ અધીક્ષક સૌરભસિંઘ અને નાયબ પોલીસ અધીક્ષક જે. એન. પંચાલની સૂચના અને માર્ગદર્શનના પગલે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માંડવી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે શહેરોમાંથી સ્પ્લેન્ડર બાઇકને નિશાન બનાવી ચોરી કરનારા મોટા ભાડિયાના લક્ષમણ ઉર્ફે લખુ ખીમરાજભાઇ ગઢવી અને નાના ભાડિયાના આકાશ લક્ષ્મણભાઇ ગઢવીને છેલ્લા એકાદ વર્ષના ગાળામાં માંડવી, ગાંધીધામ અને ભુજમાંથી છ જેટલી બાઇકની ચોરી કરનારા આ બંને આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લક્ષમણ ઉર્ફે લખુ ગઢવી સામે માંડવી પોલીસ મથકમાં બિદડામાં સોનાની ચેઇનની ચીલઝડપ સહિતના પાંચ જેટલા ચોરી સંબંધિત વિવિધ ગુના નોંધાયેલા છે. આમ, આ લખુ ચોરીનો રીઢો ગુનેગાર છે. ચોરીનો ભેદ ઉકેલવાની કામગીરીમાં માંડવી પોલીસ સ્ટેશનના પી.આઇ. બી. એમ. ચૌધરી, પો.હે.કો. વાલાભાઇ ગોયલ, દેવરાજભાઇ ગઢવી, ચેતનભાઇ રબારી, મૂળરાજભાઇ ગઢવી, દિલીપસિંહ સિંધવ તથા પો.કો. ઉદિતભાઇ રાજગોર, અશોકકુમાર પરમાર અને સંજયકુમાર ચૌધરી જોડાયા હતા