સુરેન્દ્રનગરમાં રતનપરની સોસાયટીના રહીશો પાણીનો નિકાલ ન થતા આકરાપાણીએ
પ્રાપ્ત વિગતો મુજબ વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોની કોર્પોરેટરને રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સુરેન્દ્રનગરની રતનપર સોસાયટીનાં રહીશો રોષે ભરાયા હતા: અંતે પોલીસે વિસ્તારના લોકો સાથે બેસીને સમાધાન તો કર્યું પણ રોષે ભરાયેલા લોકો દ્વારા આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. સુરેન્દ્રનગરની રતનપર સોસાયટીનાં રહીશો દ્વારા વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશોએ ચકકાજામ કર્યો હતો. આ અંગે મામલો બિચકતા પોલીસે ત્રણની અટકાયત કરી હતી. આ અંગે લોકોએ કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરવા છતા પ્રશ્ર્નનો ઉકેલ મળ્યો ન હોવાથી રહેવાસીઓ રોષે ભરાયા હતા. અંતે પોલીસે વિસ્તારના લોકો સાથે બેસીને સમાધાન કરી લીધું હતુ તેમ છતાં ઉગ્ર રહેવાસીઓએ આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી આપી હતી.
રતનપર વોર્ડ નં.૧૦ માં આવેલ અનેક સેાસાયટી સહિત છેવાડાના વિસ્તારો અને ખાણ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં છેલ્લાં ઘણાં વર્ષોથી ચોમાસામાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં લોકોને હાલાકી પડી રહી છે તેમજ ગંદકી અને કીચડના કારણે રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે. જે અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે ફરી પડેલ ભારે વરસાદને પગલે આ તમામ વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક મહિલાઓ અને રહીશોએ રતનપર બાયપાસ પાસે ચક્કાજામ કર્યો હતો અને તંત્ર સહિત સરકાર સામે રોષ દાખવ્યો હતો.પરંતુ રોષે ભરાયેલા લોકો એકના મેક થયા નહોતા અને પોલીસ તેમજ રહીશો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જેમાં પથ્થરમારો થતાં બે પોલીસ કર્મચારીઓને ઈજાઓ પણ પહોંચી હતી. આ મામલે પોલીસ દ્વારા બે વ્યક્તિઓને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ પોલીસ દ્વારા રજુઆત કરવા જઈ રહેલ ત્રણ શખ્સોની અટકાયત પણ કરાઈ હતી. ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા વહેલી સવારે નગરપાલિકાના કોર્પોરેટર બચુભાઈ વેગડ ને આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી અને સતત ૪૮ કલાકથી વરસાદના પગલે આ રતનપર બાયપાસ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં લોકોના માથા સુધી ઘરો માં પાણી ભરાઈ ચૂક્યા છે. ત્યારે અનેક વખત આ બાબતની રજૂઆત ટેલિફોનિક રીતે અને રૂબરૂમાં કોર્પોરેટરને કરવામાં આવી છતાં પરિસ્થિતિ અને વરસાદી પાણીનો કોઈ પણ જાતનો નિકાલ ન કરવામાં આવતાં રહેવાસીઓની ધીરજ ખૂટી હતી.અને રહેવાસીઓ દ્વારા રાજકોટ બાયપાસ રોડ ચક્કાજામ કર્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ દ્વારા આ વિસ્તારના લોકોને માર માર્યો હોવાનો આ વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને માર મારી અટકાયત કરવામાં આવી હોવાની પણ રજૂઆત સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીમાં કરવામાં આવી હતી. જોકે મોડી સાંજે પોલીસ દ્વારા ત્રણ લોકોની અટકાયત કરેલ ને છોડી દેવામાં આવ્યા હતા અને આ વિસ્તારના લોકો સાથે બેસીને સમાધાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે ખાસ તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે આ વિસ્તારના લોકોને ખૂબ રોષ વ્યાપી ગયો છે અને આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કારની પણ ચીમકી આ વિસ્તારના લોકો દ્વારા આપવામાં આવી છે.