PM મોદીના પ્રસ્તાવક ડોમ રાજાનું લાંબી માંદગી બાદ આજે પરોઢિયે અવસાન
પીએમ નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્રકમાં પ્રસ્તાવક રહેલા ડોમ રાજાનું આજે સવારે લાંબી માંદગી બાદ નિધન થયું હતું. વારાણસીના 55 વર્ષના ડોમ રાજા સિગરાના એક પ્રાઇવેટ નર્સિંગ હોમમાં સારવાર હેઠળ હતા.ડોમ રાજાના કુટુંબીજનોના જણાવ્યાં મુજબ આજે વહેલી સવારે તેમની તબિયત વધુ બગડતાં તરત જ તેમને એક પ્રાઇવેટ નર્સિંગ હોમમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં થોડીવાર પછી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જાંઘમાં થયેલા એક જખમના કારણે તેમની ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. ડોમ રાજાના નિધનના સમાચાર મળતાં તરત લોકો ત્રિપુરા ઘાટ પર આવેલા ડોમ રાજાના નિવાસસ્થાને પહોંચવા લાગ્યા હતા. કુટુંબીજનેાએ કહ્યું કે તેમના અંતિમ સંસ્કાર મણીકર્ણિકા ઘાટ પર કરવામાં આવશે. દરમિયાન, તેમના નિવાસસ્થાન નજીક ચાહકોની મોટી ભીડ જામી ગઇ હતી.વારાણસીથી બીજીવાર સંસદીય ચૂંટણી લડતી વખતે નરેન્દ્ર મોદીના ટેકેદાર તરીકે ડોમ રાજા જગદીશ ચૌધરી પણ હાજર હતા. તેમણે મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે જીવનમાં પહેલીવાર કોઇ રાજકીય પક્ષ અને ખાસ તો વડાપ્રધાને અમને માન્યતા આપી હતી. અત્યાર પહેલાં મત માગવા ઘણા નેતાઓ આવ્યા હતા પરંતુ મત મળી ગયા પછી બધા અમને ભૂલી જતા હતા.ડોમ સમાજ અંતિમ સંસ્કાર કરતા લોકોનો બનેલો છે. વારાણસીમાં મણીકર્ણિકા ઘાટ અને હરીશચંદ્ર ઘાટ પર મૃતદેહોના અંતિમ સંસ્કાર થાય એ આ ડોમ સમાજના લોકો કરે છે. બંને ઘાટ પરના અંતિમ સંસ્કારની જવાબદારી સંભાળતા હોવાથી જગદીશ ચૌધરીને ડોમ રાજા તરીકે સંબોધિત કરાતા હતા. આ બંને ઘાટ પર મળીને પાંચસોથી છસો ડોમ લોકો રહે છે.