ભચાઉના કસ્ટમ ચોક પાસેથી બોર્ડર રેન્જની સાયબર ક્રાઇમ પોલીસે એક ઇસમની અટક કરી તેની પાસેથી રૂા. 1,96,000નો 9800 કિલો ભંગાર જપ્ત કર્યો હતો તેમજ આ જ ટીમે વોંધ નજીકથી રૂા. 22,600ના 1130 કિલો ભંગાર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. બોર્ડર રેન્જની સાયબર ક્રાઇમ પોલીસ આજે ભચાઉમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન આ નગરના કસ્ટમ ચોક પાસે સામેથી આવતા ટેમ્પો નંબર જી.જે. 12 એ.યુ. 6534ને રોકાવાયો હતો. આ ટેમ્પોની તલાશી લેવાતાં તેમાં લોખંડનો ભંગાર ભરેલો હોવાનું બહાર આવ્યું હતું. આ મુદ્દામાલ અંગે આધાર-પુરાવા મગાતાં તે પૂરા ન પાડી શકતાં બટિયા વિસ્તારના યાસીન હુશૈન શેખની પોલીસે અટક કરી હતી. તેણે ભંગારના વાડામાંથી આ માલ લીધો હોવાનું બહાર આવ્યું હતું. બીજી બાજુ ભચાઉથી વોંધ જતાં સર્વિસ રોડ ઉપર વોંધ નજીકથી બોલેરો પિકઅપ ગાડી નંબર જી.જે. 12 બી.ટી. 5303ને પકડી લેવાઇ હતી. આ વાહનના ચાલક એવા કૈલાસ માનસિંઘ ખારોલની અટક કરવામાં આવી હતી. તેના વાહનમાંથી રૂા. 22,600નો 1130 કિલો ભંગાર જપ્ત કરાયો હતો. આધાર-પુરાવા વગરનો આ માલ તેણે ક્યાંથી લીધો હતો અને કોને વેચવા જતો હતો તેની આગળની તપાસ પોલીસે હાથ?ધરી છે. ગાંધીધામના જી.આઇ.ડી.સી. અને અન્ય કેટલીક જગ્યાએ ભંગારના વાડા ધમધમી રહ્યા છે. જે પૈકી અમુક વાડાઓમાં ચોરીનો માલ આવતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે પરંતુ આ અંગે ખાખી કાંઇ ન કરતી હોવાનું પણ બહાર આવ્યું હતું.’