બિદડામાં તસ્કરોનું સામૂહિક આક્રમણ : બેન્ક અને એ.ટી.એમ. સહિત ચાર સ્થળ હાથ ફેરો કર્યો

માંડવી તાલુકાના વિકસિત એવા બિદડા ગામે ગતરાત્રિના તસ્કરોએ કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની શાખા અને તેના એ.ટી.એમ. ઉપરાંત બે દુકાન સહિત કુલ્લ ચાર સ્થળને નિશાને લીધા હતા. સદ્ભાગ્યે આ કિસ્સામાં બેન્કમાંથી રૂા. 1500ની રોકડની પેટી સિવાય અન્ય કોઇ ચીજવસ્તુ ચોરાઇ ન હતી. બહાર આવેલી વિગતો અનુસાર ગત મોડીરાત્રે બનેલા આ બનાવમાં કે.ડી.સી.સી. બેન્કના તાળાં તોડાયાં હતાં. આ બેન્કના સી.સી. ટી.વી. કેમેરામાં પણ તોડફોડ કરાઇ હતી. તો એ.ટી.એમ. ખાતે પણ હાથ મારવાનો પ્રયાસ કરાયો હતો. તદ્ઉપરાંત ગામની અંદર આવેલી અનાજ-રસકસની એક દુકાન તથા બહારના સ્ટેશન પાસે કેસેટ ડી.વી.ડી.ની દુકાન પણ તસ્કરોની હડફેટે ચડી હતી. અલબત્ત બનાવ બાબતે દાખલ કરાવાયેલી ફરિયાદોમાં આ દુકાનોનો ઉલ્લેખ નથી.
કે.ડી.સી.સી. બેન્કનાં તાળાં તોડીને અંદર ઘૂસેલા હરામખોરો રોકડના કક્ષમાંથી રૂા. 1500 રોકડા સાથેની બેન્કની પેટી ઉઠાવી ગયા હતા. ચોરી બાબતે શાખા મેનેજર ભગવાનદાન ઝવેરદાન ગઢવીએ પોલીસ ફરિયાદ લખાવી હતી. દરમ્યાન જાણવા મળતી વિગતો અનુસાર નિશાન બનેલી બે દુકાન પૈકી એકમાંથી જીવદયા માટે રખાયેલી ગૌશાળાની પેટીની રોકડ તથા વિકલાંગોના લાભાર્થે રખાયેલા ડબ્બાની રોકડ રકમ ઉઠાવી જવાઇ છે. ગામમાં ફર્નિચર તથા કટલેરીની એક-એક દુકાન ખાતે પણ તસ્કરોએ ટકોરા માર્યા હોવાની વિગતો સાંભળવા મળી છે. પોલીસ સાધનોનો સંપર્ક કરતાં મળેલી માહિતી મુજબ તસ્કર દ્વારા સી.સી. ટી.વી. કેમેરામાં નુકસાન કરાયું તે પહેલાં તે કેમેરામાં કેદ થઇ ગયો છે. આ ફૂટેજ હસ્તગત કરીને તેના આધારે પગેરું દબાવવામાં’ આવ્યું છે.સામૂહિક તસ્કરીનાં પગલે નાયબ પોલીસ અધીક્ષક ભુજ જે.એન. પંચાલ, માંડવીના પોલીસ ઇન્સ્પેકટર બી.એમ. ચૌધરી તથા સ્ટાફના સભ્યો સ્થાનિકે દોડી જઇને છાનબીનમાં જોડાયા હતા.