ગાંધીધામ તાલુકાના ગળપાદર નજીક ધોરીમાર્ગ પાસે આવેલા એક ગેરેજ બહાર રહેલાં ટ્રેઇલરની પૈડાં સહિતની ટ્રોલી કિંમત રૂા. 2,30,000ની કોઇ શખ્સોએ ચોરી કરી હતી. બીજી બાજુ ભચાઉના ચોબારીમાં એક મકાનમાંથી રૂા.22,990નો મોબાઇલ ચોરી જવાયો હતો. શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા પ્રવેશ પુરવાસિંઘ ગઢવી નામના યુવાન આઇકૃપા લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવે છે. આ ફરિયાદી પાસે રહેલાં ટ્રેઇલર નંબર જી.જે. 12-બી.ટી. 5180માં ખોટીપો સર્જાયો હતો. જેથી આ વાહનને ગળપાદર નજીક ધોરીમાર્ગ પાસેના ઇમ્તિયાઝભાઇના આઇ.પી. ગેરેજમાં મૂકવામાં આવ્યું હતું. ગત તા. 18/8ના આ વાહનને રીપેરિંગ કામમાં મૂકવામાં આવ્યું હતું. તેના પૈડાં સહિતની ટ્રોલી ગત તા. 21/8ના પણ આ ગેરેજ બહાર હતી. પરંતુ બીજા દિવસે આ ટ્રોલી ગુમ જણાઇ હતી. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાત્રિ દરમ્યાન કોઇ શખ્સોએ પૈડાં સહિતની આ 22 ફૂટ લાંબી ટ્રોલી કિંમત રૂા. 2,30,000ની ચોરી કરી નાસી ગયા હતા. બીજી બાજુ ચોબારીના ભુરાગડા વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો હતો. ફરિયાદી એવા સવજી ગણેશા ઢીલા (આહીર)ના ખુલ્લા મકાનમાં ઘૂસી તસ્કરોએ’ રૂા. 22,990ના મોબાઇલની ચોરી કરી નાસી ગયા હતા. ગત તા. 22/8ના રાત્રિના 11.30ના અરસામાં બનેલો આ બનાવ છેક ગઇકાલે પોલીસના ચોપડે ચડતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા.