ગુજરાતની રૂપાણી સરકાર હાલ જૂના કાયદાઓને ધારદાર બનાવવાની અને નવા આકરા નિયમો બનાવવાના મૂડમાં છે અને હાલમાં જ ભૂમાફીયાઓની ‘ખેર’ નથી તેવા પડકારા સાથે લેન્ડ ગ્રેબીંગ એકટમાં સુધારા કરીને હવે જમીન કૌભાંડ કરનારાનું સ્થાન ‘જેલ’માં જ હશે તેવો દાવો થયો અને તેનો અમલ શરૂ થાય ત્યારે વાત છે પણ હવે ઉતરપ્રદેશ સ્ટાઈલથી નવો ગુંડા-કંટ્રોલ એકટ લાવવાની તૈયારી કરી રહી છે. રાજયમાં ક્રીમીનલની સામેના કાયદા મોજૂદ છે અને નવા ‘ગુજસીટોક’ કાનૂનને પણ વર્ષો સુધી રાહ જોયા બાદ મંજુરી મળી છે અને એક-બે કેસમાં આ કાનૂનનો અમલ પણ થયો છે તે બાદ પણ ઉતરપ્રદેશમાં જે રીતે એન્કાઉન્ટર પર જ શાસન ચલાવી રહેલા મુખ્યમંત્રી યોગી આદીત્યનાથની સરકારે જે ગુંડા કંટ્રોલ એકટ અમલી બનાવ્યો તેવો જ કાયદો હવે ગુજરાતમાં બનશે. આમ કાનૂન બાદમાં હવે યુપી એ ગુજરાત માટે મોડેલ બનશે. આ નવા કાયદામાં પોલીસ અધિકારીને ખાસ સતા આપવાની જોગવાઈ છે પણ ગૃહ વિભાગના અનેક અધિકારીઓએ આ સુધારાઓ સામે વિરોધ કરતા કહ્યું કે પોલીસને અમર્યાદીત સતા આપવી તે ભુલ ભરેલ બની જશે. સૂત્રોના જણાવ્યા મુજબ માનવ તસ્કરી, ગૌહત્યા, આર્થિક અપરાધો અને જેઓ જાહેર મિલ્કતને નુકશાન કરે છે, કોઈ સમુદાયને સરકાર વિરુદ્ધ ઉશ્કેરે છે અને તેવી પ્રવૃતિ કરે છે તેની સામે આકરી અને ઈન્સ્ટન્ટ કાર્યવાહીનો સરકારનો ઈરાદો છે. ગુજરાતના ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે અમો પ્રીવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એકટ (પાસા)ના કાયદાને સુધારવા અને નવો ગુંડાગીરી વિરોધી કાનૂન લાવવા જઈ રહ્યા છીએ. જો કે તેઓએ આ માટે વધુ કઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી અને રાજયની કેબીનેટ દ્વારા રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે નવા કાનૂની સુધારાની દરખાસ્ત તૈયાર કરવા જણાવ્યું છે. નવો ગુંડા-કંટ્રોલ એકટ ઉતરપ્રદેશ સ્ટાઈલનો હશે અને તેમાં પોલીસને કોઈપણ સમાજ વિરોધી તત્વો સામે તાત્કાલીક પગલાની સતા આપશે. સરકાર આગામી વિધાનસભામાં આ ખરડો મંજુર કરાવી શકે છે અને તે પુર્વે અમલ માટે વટહુકમથી તેનો અમલ કરશે.નવા કાનૂનમાં માનવ અંગોની ચોરી જેવા ગુન્હાઓને પણ સમાવી લેવાશે અને તેમાં 3 થી10 વર્ષની જેલ સજાની જોગવાઈ હશે. રાજયમાં વારંવાર ગુન્હો કરનારની ટેવ ધરાવતા અપરાધીને ‘પાસા’ હેઠળ જેલમાં મોકલવામાં આવશે. 1985નો આ કાનૂન અપરાધીઓને અદાલતી કાર્યવાહી વગર જ સબક શિખડાવવા માટેની પ્રક્રિયા છે. જેમાં ‘પાસા’ના અટકાયતીના કંપની ‘પાસા-બોર્ડ’ સમીક્ષા કરે છે અને જો પોલીસ કાર્યવાહી યોગ્ય ન હોય તો પછી પાસામાંથી મુક્ત થાય છે. જો આ પુર્વે તો અપરાધીએ થોડો સમય જેલમાં વિતાવવો જ પડે છે. હવે તેઓ ફકત શેરીના ગુંડા નહી વ્હાઈટ કોલર ક્રાઈમ કરનારાઓ સામે પણ પાસા ઉગામવાનો સુધારો કરાશે. જેમાં જાતિય અપરાધ, સાયબર, ફ્રોડ, જુગાર પ્રવૃતિને પણ સમાવી લેવાશે. સરકાર આ માટે તાત્કાલીક વટહુકમ બહાર પાડી શકે છે. પાસાના કેસ અત્યાર સુધી પોલીસ કમિશ્ર્નર કે તે કૃત્યના અધિકારી દરખાસ્ત કરે પછી 7 લાખ કલેકટર તે દરખાસ્ત માન્ય રાખે. આમ પોલીસ કાર્યવાહીને વહીવટી અધિકારી મંજુરી આપે છે તેના બદલે હવે આઈ.જી. કક્ષાના અધિકારીને ‘પાસા’ મંજુરીની સતા આપવામાં આવી રહી છે જેથી વહીવટીતંત્ર ચિત્રમાંથી નીકળી જશે.