શહેરના વેજલપુર વિસ્તારમાં પ્રેમલગ્ન કરનારી યુવતીને બે મહિના બાદ પતિ સારી રીતે રાખતો ન હોવાથી માતા-પિતાને ઘરે આવી ગઈ હતી. પતિ અવારનવાર ત્યાં આવી બોલાચાલી અને મારઝૂડ કરતો હતો. જેથી કંટાળી પત્નીએ ઉંદર મારવાની દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વેજલપુર પોલીસે પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વેજલપુર વિસ્તારમાં શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતી યુવતીએ 2018માં વાસણા ઠાકોર વાસમાં રહેતા વિક્રમ ઠાકોર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે માસ બાદ તેનો પતિ સારી રીતે રાખતો ન હતો. જેથી યુવતી તેના માતા-પિતાને ઘરે રહેવા જતી રહી હતી. વિક્રમ અવારનવાર ઘરે આવી યુવતીને લઈ જવા કહેતો હતો પણ સારી રીતે રાખતો ન હોવાથી જવાની ના પાડી હતી. યુવતીને તેના માતા પિતા ઘર સંસાર ન બગડે તે માટે સમજાવતા પણ હતા. યુવતી સાણંદમાં કોરોનાની કામગીરી કરે છે. પગારની તારીખ આવે ત્યારે વિક્રમ ઘરે આવી પૈસા માંગતો હતો જે આપવાની ના પાડતા મેણા ટોણા મારતો હતો. છ મહિના પહેલા વેજલપુર પોલીસ સ્ટેશનમાં વિક્રમ સામે તેણે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. ગુરુવારે સવારે વિક્રમ યુવતીના ઘરે આવી ઘરે લઈ જવાનું કહ્યું હતું. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી યુવતીએ ઉંદર મારવાની દવા પાણીમાં નાખી પીવા જતી હતી જો કે વિક્રમે ગ્લાસ ઢોળી નાખ્યો હતો. આ મામલે વેજલપુર પોલીસે વિક્રમ ઠાકોર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.