પોરબંદરમાં કડીયાપ્લોટ વિસ્તારમાં રહેતા નગરપાલિકાના સદસ્ય ભરતભાઈ ઉર્ફે ભલ્લાભાઈ મૈયારીયાના ઘરે ધસી જઇ રાજુ ઓડેદરા નામના શખ્સે મારી નાખવાના ઇરાદે બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. જેમાં પાલિકા સદસ્યના પાડોશમાં રહેતા ભાજપના મહામંત્રી પ્રશાંતભાઈને પડખાના ભાગે ગોળી વાગી ગઇ હતી. ફાયરીંગ કર્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો. આ મામલે પાલિકા સદસ્યના પત્ની કે જે પણ નગરપાલિકામાં સદસ્યા હોય તેમની ફરિયાદ પરથી કમલાબાગ પોલીસે આરોપી સામે હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ શરુ કરી છે.ફાયરીંગના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પોરબંદરના કડીયાપ્લોટ શેરી નં. 2માં રહેતા નગરપાલિકાના સદસ્ય સોનલબેને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજુ રાણા ઓડેદરા (રહે. ગીતાનગર, પોરબંદર)નું નામ આપ્યું છે. પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પતિ ભરતભાઈ ઉર્ફે ભલ્લાભાઈ મૈયારીયા પણ નગરપાલિકામાં સભ્ય છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવ અંગે ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.25ના રાત્રિના 10-30 વાગ્યે પરિણીતા તેમના પતિ સાથે ઘરના પાર્કિંગમાં હતા દરમિયાન આરોપી રાજુ રાણા તથા તેનો જમાઈ પરબત કેશવાલા આવ્યા હતા અને રાજુ રાણાએ પાલિકા સદસ્ય ભરતભાઈને કહ્યું હતું કે બે દિવસ પૂર્વે તે મને રાત્રિના કેમ ફોન કર્યો હતો જેથી ભરતભાઈએ કહ્યું હતું કે સાતમ-આઠમના તહેવારમાં તે મને જાહેરમાં ગાળો આપી હોય મને તેવી વાત જાણવા મળી હતી માટે મેં તને ફોન કર્યો હતો.આ સાંભળી આરોપી રાજુ રાણા ઉશ્કેરાયો હતો અને તેણે કહ્યું હતું કે તારે મારી સાથે ઝઘડવું છે ? બાદમાં તેનો જમાઈ પરબત સમજાવીને તેને પરત લઇ ગયો હતો. દરમિયાન તા. 26ના રાત્રિના એકાદ વાગ્યે આરોપી રાજુ રાણા સફેદ કલરની સ્વીફટ ડીઝાયર કાર લઇને આવ્યો હતો અને બેફામ ગાળાગાળી કરી કારનો દરવાજો ખોલી પિસ્તોલ કાઢી ભરતભાઈને કહ્યું હતું કે ઘરની બહાર નીકળ, આજે તને મારી નાખવો છે. જેથી ભરતભાઈ તેમના પત્ની તથા પાડોશમાં રહેતા અને ભાજપના મહામંત્રી પ્રશાંતભાઈ સીસોદીયાએ તેને સમજાવવાની કોશિષ કરી હતી. દરમિયાન રાજુ રાણાએ પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કરતાં એક ગોળી પ્રશાંતભાઈને પડખાના ભાગે વાગી જતાં તે ઢળી પડ્યા હતા. બાદમાં રાજુ રાણા નાસી ગયો હતો. ફાયરીંગમાં ઘવાયેલા પ્રશાંતભાઈને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સાતમ-આઠમ સમયે રાજુ રાણાએ પાલિકા સદસ્ય ભરતભાઈને ગાળો આપી હોય જે બાબતે સત્ય હકીકત જાણવા ભરતભાઈએ બે દિવસ પૂર્વે રાત્રિનાં રાજુને ફોન કર્યો હતો. પરંતુ ફોન તેણીની પત્નીએ ઉપાડતા આ બાબતનું મનદુ:ખ રાખી રાજુ રાણાએ ફાયરીંગ કર્યું હતું. આ બાબતે પાલિકાના સદસ્યા સોનલબેનની ફરિયાદ પરથી કમલાબાગ પોલીસે આરોપી સામે હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ શરુ કરી છે.